સુશાંતસિંહ રાજપૂત અને સારા અલી ખાન અભિનીત નવી હિન્દી ફિલ્મ ‘કેદારનાથ’ પર પ્રતિબંધ મૂકવા માટે કરવામાં આવેલી એક જનહિતની અરજીને મુંબઈ હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ મુંબઈમાં આ ફિલ્મ આવતીકાલે, શુક્રવાર, ૭ ડિસેમ્બરે રિલીઝ થવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ ફિલ્મ હિન્દુ લોકોની ધાર્મિક લાગણીને દુભાવનારી છે એવો આરોપ જનહિતની અરજીમાં કરવામાં આવ્યો હતો. અરજીને નકારી કાઢવામાં આવતાં ફિલ્મના નિર્માતાઓ અને કલાકારોને મોટી રાહત થઈ હશે. રમેશચંદ્ર મિશ્રા અને પ્રભાકર ત્રિપાઠી નામના બે લૉયરે નોંધાવી હતી. એમણે અરજીમાં એવી માગણી કરી હતી કે આ ફિલ્મ લવ જિહાદને ઉત્તેજન આપતી હોવાથી અને હિન્દુધર્મીઓની લાગણીને ઠેસ પહોંચાડતી હોવાથી એને આપવામાં આવેલી મંજૂરી વિશે સેન્સર બોર્ડે ફેરવિચારણા કરવી જોઈએ. અરજદારોએ એમની ફરિયાદમાં જણાવ્યું હતું કે ફિલ્મમાં એક હિન્દુ છોકરી (સારાએ ભજવેલાં પાત્ર) અને એક મુસ્લિમ છોકરા (સુશાંતે ભજવેલા પાત્ર) વચ્ચે પ્રેમ પાંગરે છે, પરંતુ આ લવસ્ટોરીને કારણે દેશમાં પરિસ્થિતિ બગડશે અને લવ જિહાદના દૂષણને ઉત્તેજન મળશે.

















