પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપની સામે પોતાના રાજકીય જંગને હવે બંગાળ વિરુદ્ધ ગુજરાતની લડાઈ બનાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. આજે મમતા બેનર્જીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળને ગુજરાત બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ અમે આવું થવા દઇશું નહીં. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, તેઓ ગુજરાતી લોકોની વિરુદ્ધમાં નથી પરંતુ ગુજરાતના તોફાનીઓના વિરુદ્ધમાં છે. મમતા બેનર્જીએ પ્રથમ વખત કબૂલાત કરી હતી કે, પ્રદેશમાં લોકસભા ચૂંટણી બાદ રાજકીય હિંસા થઇ છે. મમતાએ દાવો કર્યો હતો કે, આ હિંસામાં ભાજપના બે કાર્યકરો માર્યા ગયા છે જ્યારે તૃણમુલના ૧૦ કાર્યકરોના મોત થયા છે. એટલું જ નહીં મમતા બેનર્જીએ રાજકીય હિંસાનો શિકાર થયેલા કાર્યકરોના પરિવારના સભ્યોને આર્થિક મદદ આપવાની પણ જાહેરાત કરી છે.
આ પહેલા મમતા બેનર્જીએ ઇશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. તેઓએ મૂર્તિની સાથે પ્રતિકાત્મકરીતે માર્ચ પણ યોજી હતી. વિદ્યાસાગર કોલેજમાં પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. પ્રતિમાની સ્થાપના બાદ પુષ્પાંજલિ પણ આપવામાં આવી હતી. પ્રતિમાના અનાવરણ બાદ મમતા બેનર્જીએ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી ઉપર પણ પરોક્ષરીતે પ્રહાર કર્યા હતા અને કહ્યં હતું કે, તેઓ રાજ્યપાલનું સન્માન કરે છે પરંતુ દરેક બંધારણીય હોદ્દાની કેટલીક મર્યાદાઓ રહે છે. બંગાળને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બંગાળ અને તેમની સંસ્કૃતિને બચાવવાની જો કોઇની ઇચ્છા છે તો સાથે આવવાની જરૂર છે. બંગાળને ગુજરાત બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે પરંતુ બંગાળ ગુજરાત નથી. મમતા બેનર્જીની મુશ્કેલી લોકસભાની ચૂંટણી બાદ સતત વધી રહી છે. એક પછી એક મુશ્કેલીઓ તેમને નડી રહી છે. મમતા બેનર્જીની પાર્ટીને ચૂંટણીમાં ફટકો પડ્યો હતો.



















