જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આજે સવારે સુરક્ષા દળોની સાથે થયેલી ભીષણ અથડામણમાં બે ખુંખાર ત્રાસવાદી ઠાર થયા હતા.
ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો કબજે કરવામાં આવ્યા હતા. પોલીસે કહ્યુ હતુ કે અવંતિપોરા વિસ્તારમાં ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી. આ સંબંધમાં પોલીસે માહિતી આપતા કહ્યુ છે કે સુરક્ષા દળોએ ત્રાસવાદીઓની ઉપસ્થિતી અંગે માહિતી મળ્યા બાદ કાશ્મીરના અવંતિપોરાના બ્રોબુદુના ક્ષેત્રમાં અથડામણ થઇ હતી. ત્રાસવાદીઓની હાજરી અંગે માહિતી મળ્યા બાદ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ ચાલી રહી હતી ત્યારે અથડામણ શરૂ થઇ હતી. આ વર્ષે સેંકડો ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જો કે ત્રાસવાદીઓની હાજરી હજુ રહેલી છે.
બુધવારના દિવસે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. આતંકવાદીઓએ અહીં એક ભરચક વિસ્તારમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની પેટ્રોલિંગ ટુકડી ઉપર હુમલો કરી દીધો હતો. હુમલામાં સીઆરપીએફના પાંચ જવાન શહીદ થયા હતા. અન્ય બે જવાન ઘાયલ થયા હતા.આતંકવાદીઓએ કેપી રોડ ઉપર સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરી દીધો હતો. ઓટોમેટિક રાયફલથી ત્રાસવાદીઓએ અંધાધૂંધ ગોલીબાર કર્યો હતો. ત્યારબાદ ગ્રેનેડ ઝીંક્યા હતા. અલઉમર મુઝાહિદ્દીન નામના આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી હતી. આ આતંકવાદી સંગઠનનું કહેવું છે કે, મુસ્તાક ઝરગર આ સંગઠનના લીડર તરીકે છે. બાલાકોટ એરસ્ટ્રાઇકના ગાળા દરમિયાન પણ તેને ટાર્ગેટમાં રાખવામાં આવ્યો હતો.



















