સમાજની વાસ્તવિકતાને જોતાં એવું જણાય છે કે જે વ્યક્તિ અધર્મી હોય, અપ્રામાણિક હોય, ભ્રષ્ટાચારી હોય તે સુખી હોય છે. જ્યારે પ્રામાણિક અને નીતિમાન અને ભગવાનને ભજતા ભક્તો દુઃખી હોય છે. ત્યારે આપણાં મનમાં પ્રશ્ન થયા વગર રહે નહીં કે શું ભગવાનના દરબારમાં અંધેર છે?
સહારાના રણમાં ફસાયેલો માણસ પાણી વિના તરફડતો હોય તે તો સમજી શકાય એવું છે, પણ અમૃતના સરોવરની બાજુમાં જ ઊભેલો માણસ પાણી વિના તરસ્યો રહે એ કેવું કહેવાય !!! ગરીબ પરિવારના ઘરમાં જન્મેલો માણસ ગરીબાઈથી પીડાતો હોય તો તે સમજાય એમ છે, પરંતુ ચક્રવર્તી રાજાને ત્યાં પાટવી કુંવર થઈને જન્મેલો માણસ કંગાલ રહે, દુઃખી રહે તે કેવું કહેવાય ??
આવો જ એક પ્રશ્ન વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૩૪મા ભગવાન સ્વામિનારાયણના પરમહંસ મુક્તાનંદ સ્વામી પૂછે છે, ‘હે મહારાજ ! જગતના જીવો ત્રિવિધ તાપમાં બળતા હોય એ તો સમજી શકાય એમ છે, પણ જેને અનંત સુખના સિંધુ એવા જે ભગવાન મળ્યા છે, તે દુઃખી થાય છે, ક્લેશ પામે છે, તેનું શું કારણ છે?’
જ્યારે કોઈ રોગ દૂર કરવો હોય ત્યારે રોગનું મૂળ પકડવું પડે. કોઈ પ્રશ્નોનો ઉકેલ લાવવો હોય તો પ્રશ્નનું મૂળ શું છે તે પકડવું પડે. તેમ દુઃખને દૂર કરવું હોય તો દુઃખનું મૂળ શું છે તે જાણવું જ રહ્યું.
આ દુઃખનું મૂળ બતાવતાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, ‘જે ભક્ત ભગવાન અને સંતની આજ્ઞાનુ પાલન કરે છે, તે સુખી થાય છે, અને જે આજ્ઞાનો લોપ(ઉલ્લંઘન) કરે છે, તે ક્લેશને પામે છે. દુઃખી થાય છે.’ તેથી જો આપણા જીવનમાં દુઃખ, અશાંતિ કે ક્લેશ રહેતો હોય તો તેનું કારણ આપણા જીવનમાં થતી ભગવાનની મર્યાદા-આજ્ઞાનો લોપ છે.
આ વાતને સમજવા માટે આપણે ઇતિહાસમાં થયેલા પ્રસંગોનો સહારો લઈએ.
એકવાર રામ ભગવાન સીતાના વિરહથી વ્યાકુળ થઈ જાય છે. તે વખતે સતીને રામની પરીક્ષા કરવાની ઇચ્છા થાય છે. ત્યારે શિવજી તેઓને ના પાડે છે. છતાં પણ સતી સીતાનું રૂપ લઈને રામ પાસે જાય છે. એમને મન એમ કે રામ મને જોતા જ તરત જ ઘેલા બની જશે. પણ થયું ઊલટું જ. રામે તરત જ કહ્યું, ‘માતા ! એકલા કેમ છો? શિવજી ક્યાં?’ અને સતી ભોંઠા પડી ગયા. પછી શિવજી પાસે આવ્યા. શિવજી કહે, ‘તમને રામચંદ્રજીએ માતા કહ્યા એટલે હવે મારાથી તમારો પત્ની તરીકે સ્વીકાર ન થાય.’ અને સતીને કેટલાક વર્ષો સુધી શિવજીનો વિયોગ સહન કરવો પડ્યો હતો. સતી ભગવાન શિવના ઉત્તમ ભક્ત છે. છતાં પણ તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો તો તેઓને દુઃખ આવ્યું.
અહીં આ પ્રસંગ પરથી સ્પષ્ટ થાય છે કે ભગવાનનાં ભક્તને દુઃખ આવે છે તે જ કારણ આજ્ઞાલોપ છે.
ભગવાન સ્વામિનારાયણ આ મુદ્દાને વધુ પુષ્ટિ કરતાં વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના ૫૧મા કહે છે, “મોટાપુરુષે બાંધેલી જે ધર્મમર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી.”
ન કેવળ સ્થૂલ આજ્ઞાઓ પરંતુ શાસ્ત્રો દ્વારા પણ કરવામાં આવેલી આજ્ઞાઓને ઉલ્લંઘન એ જ પરિણામે દુઃખને નોતરે છે. તેની વાત કરતાં શ્રીમદ્ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે,
यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः।
न स सिद्धिम् अवाप्नोति न सुखं न परां गतिम् ।।
“જે શાસ્ત્રની મર્યાદાને લોપીને મનધાર્યું વર્તે છે, તે ક્યારેય સુખને, સિદ્ધિને કે પરાગતિને પામતો નથી.”
યુધિષ્ઠિર જુગાર રમ્યા તો પાંડવોની જિંદગીનો મોટાભાગનો સમય દુઃખમાં વ્યતીત થયો.
અહીં ઉત્તમ ભક્તોના દુઃખ આવ્યાના દાખલાઓ શાસ્ત્રમાં લખાયા છે. તે આપણને પ્રેરણા આપે છે કે ગમે તેટલી ઊંચાઈ પર પહોંચી શકાય, પરંતુ તે સ્થિતિ પર સદાકાળ માટે રહેવા આજ્ઞાનું પાલન, મર્યાદાનું પાલન અનિવાર્ય છે.
આજે વ્યસનત્યાગની શાસ્ત્રાજ્ઞા ન પાળવાને કારણે વિશ્વમાં કેટકેટલા પ્રશ્નો થાય છે. લાખો માતા-પિતા પુત્ર વિહોણા બન્યા છે, બને છે. કેટકેટલી મહિલાઓ વિધવા બની છે. બને છે. કરોડો બાળકો નિરાધાર બન્યા છે, બને છે. આમ, આજ્ઞા લોપ એ જ દુઃખ આવ્યાનું કારણ છે તે ફલિત થાય છે. માટે શાસ્ત્રોની આજ્ઞા પાળવાથી આ યુગમાં પણ સુખી રહી શકાય છે, તે નિર્વિવાદ છે.(ક્રમશઃ)
















