મોક્ષ – પરમ પુરુષાર્થ -સાધુ વેદપ્રકાશદાસ (વચનામૃત : જીવનમાર્ગદર્શક–૪૧)

800

વિશ્વ ઇતિહાસમાં જૂનામાં જૂનાં પુસ્તકો વેદો છે. વેદો દોષશૂન્ય છે, કારણ કે વેદો અપૌરુષેય છે. એટલે વેદોના શબ્દો ત્રિકાલાબાધિત છે અર્થાત્ સનાતન છે.

વેદોમાં ચાર પુરુષાર્થ બતાવ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આમાં ઉત્કૃષ્ટ પુરુષાર્થમોક્ષ છે અને બીજા પુરુષાર્થો જે છે તે આ લોકની ઇચ્છાઓ પૂરી કરે તેવા છે. મોક્ષ એ જ જીવનનો હેતુ છે. મોક્ષના ઉપાય કરી લેવાનો આગ્રહ પણ વારંવાર થાય છે, પરંતુ મોક્ષ શેને માનવો અને મોક્ષપ્રાપ્તિના ઉપાય શા છે તે વિષે ઘણું ઓછું કહેવાય છે. મોક્ષના બે અર્થ છે. એક તો મોક્ષ એટલે મુક્તિ અર્થાત્ બંધન ન રહે તે. જેલમાં પૂરાયેલો છુટી જાય તે મુક્ત થયો. બધી જેલોમાં કર્મની જેલ મોટી છે એનાં ફળ અનેક ભવોમાં ભોગવવા પડે છે. તે ભવબંધનનું ચક્ર આગળ ન ચાલે અને બંધન છુટી જાય તો મોક્ષ થયો. એટલા માટે કહ્યું છે કે જન્મ-મરણના ફેરા ટાળવા તે મોક્ષ,मुच्यतेभवबन्धनात्।

મોક્ષનો બીજો અર્થ છે મોહનો ક્ષય. મોહમાં કામ, ક્રોધ, લોભ વગેરે દોષો અને આસક્તિ, મમત્વ આદિ વિકારોનો સમાવેશ થાય છે. સંસારના પાત્રો, વસ્તુઓ, ક્રિયાઓ, ઇચ્છાઓ વગેરે બંધનોથી અને દેહભાવના બંધનમાંથી નીકળી જીવને ભગવાન સાથે બંધન થાય તે મોહનો ક્ષય થયો કહેવાય. ભગવાનની જેટલી સમીપે જવાય તેટલો જીવનો મોક્ષ થાય છે.

આજના આધુનિક માનવને આ વાત સમજવી કઠણ પડે એવી છે. સૌપ્રથમ તો તેને પ્રશ્ન થાય કે મારે મોક્ષની શી જરૂર છે? અત્યારે સારી રીતે ખાઉં છું, રહું છું બધી જ રીતે આનંદ છે. આમ, જીવન પછી મોક્ષ પામવાની કલ્પના તેને વ્યર્થ લાગે છે. પરંતુ જીવન એક અનિયમિતતાનો સંગ્રહ છે. બધા જ દિવસો સમાન નથી હોતા. માણસ જ્યારે અનંત સગવડોની વચ્ચે પણ એકલવાયાપણાનો અનુભવ કરે છે. સમૃદ્ધિની વચ્ચે પણ હતાશા અને નિરાશામાં ડુબેલો દેખાય છે. ત્યારે તેને એક સહારાની જરૂર પડે છે. કહેવાની જરૂર નથી કે આ સમયે ધન અને ભૌતિક સુવિધાઓ સહારો બની શકતી નથી. આવા સંજોગોમાં તો કોઈક પારલૌકિક પુરુષની, સંતપુરુષની જરૂર પડે, જે આ લોકમાં અને પરલોકમાં પણ સાચો સાથ નિભાવી શકે.

શ્રીમદ્ભાગવતમાં મનુષ્ય કેવી રીતે મોક્ષ પામી શકે, તે બતાવ્યું છે.

प्रसंगमजरं  पाशमात्मनः  कवयो विदुः।

स एव साधुषु कृतो मोक्षद्वारमपावृतम्।।

‘જેવો જીવને પોતાના સબંધીને વિષે દૃઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો તે જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.’

ભગવાન સ્વામિનારાયણે પણ ‘વચનામૃત’ ગઢડા પ્રથમ ૫૪ માં કહ્યું છે કે, ‘અને જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે.’ તે સાધુ પણ કેવા તો સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત હોય એવાસાધુ કહ્યા છે. આવા સંતના પ્રસંગ થકી જ જીવ દુર્લભ ગતિને પામે અને પરમ પુરુષાર્થ મોક્ષને સિદ્ધ કરી શકે છે.

ભાગવતમાં પણ પરીક્ષિતે જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસથી પરમ ભાગવત સંત શુકદેવજીનો પ્રસંગ કર્યો ત્યારે એનો મોક્ષ થયો. આ રીતે અત્યારે પણ શાસ્ત્રો પ્રમાણે એવા જે સર્વ ગુણ સંપન્ન યુક્ત અને મોક્ષના દાતા એવા સંતના પ્રસંગથી આપણે દુર્લભ ગતિને પામી શકીએ છીએ. જેનો અનુભવ આજે લાખો લોકોને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામીમહારાજની નિશ્રામાં થઈ રહ્યો છે. તા.૨૫/૬/૧૭ ના રોજ મહંતસ્વામીમહારાજ ટોરન્ટોમાં બિરાજમાન હતા. ત્યારે એક વૃદ્ધ અને બીમાર હરિભક્તને ફોન દ્વારા આશીર્વાદ પાઠવ્યા. બપોરે અઢી વાગે તે હરિભક્ત તેમના પત્ની સાથે સોફામાં બેઠા હતા. થોડીવારમાં તેઓ બોલવા લાગ્યા, ‘મહંતસ્વામીમહારાજ આવ્યા છે ને હું ધામમાં જાઉ છું.’ તેમના પત્નીએ ચોંકતા કહ્યું,‘આવુ કેમ બોલો છો? બેસો, હું પાણી લાવું,’ અને તે પાણી લાવ્યા ત્યાં સુધીમાં તો જગદીશભાઈ ભાન ગુમાવી ચૂક્યા હતા. તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા. સાંજે ૬:૨૦ વાગે તેઓ સ્વામીશ્રીના આશીર્વાદથી સંસારના બંધનો છોડી મોક્ષ પ્રાપ્ત કરી ભગવાનના સમીપે બેસી ગયા.

ચાલો, આપણે પણ એવા સાચા પરમ એકાંતિક સંતને ઓળખી તેમનો પ્રસંગ કરીને પરમ પુરુષાર્થ મોક્ષને પ્રાપ્ત કરીએ એ જ પ્રાર્થના.(ક્રમશઃ)

Previous articleપોષણ અભિયાન યજ્ઞમાં આહુતી આપવા માટે ગ્રામજનોને અનુરોધ
Next articleવીર સાવરકર પ્રાથમિક શાળા નં-૮ માં ગાંધી નિર્વાણ દિન-શહિદ દિન અને વસંત‌ પંચમીની ઉજવણી કરવામાં આવી.