હેપ્પી સ્પેરો વીક અંતર્ગત ગાંધીનગરમાં વિવિધ સ્થળે ચકલી ઘરનું વિતરણ

691

ગાંધીનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે હેપ્પી યુથ કલબ આયોજિત હેપ્પી સ્પેરો વીકની ઉજવણી કરાઇ રહી છે જે અંતર્ગત શહેરમાં હેપ્પી ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરાઈ રહ્યું છે. શહેરમાં વિવિધ વિસ્તારમાં ચકલીઘરનું વિતરણ યોજાઇ રહ્યું છે.

આ પ્રસંગે હેપ્પી સ્પેરો વીકના પ્રોજેકટ કો ઓર્ડિનેટર તથા સમગ્ર પ્રોજેકટના પ્રેરણાસ્ત્રોત સમા રાજુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ‘ચકલી આપણા આંગણે આવે ત્યારે નાના ભૂલકાંથી માંડીને વડીલો સહિત તમામને ગમે છે, તમામના ચહેરા પર ખુશી લાવે છે ચકલી પર્યાવરણ માટે પણ ખૂબ ઉપયોગી પક્ષી છે. તેને બચાવવાના પ્રયાસરૂપે અમે શહેરભરમાં ચકલીઘરનું વિના મૂલ્યે વિતરણ કરી રહ્યા છે.’

રાજુભાઈ મકવાણા જેઓ સેકટર-૧૬માં વર્ષોથી બટાકા-પાંઆના નાસ્તાની લારી ચલાવવાનો વ્યવસાય કરે છે. છેલ્લા ૮ વર્ષથી તેઓ દર વર્ષે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીઘરનું વિતરણ કરે છે.

છેલ્લા ૩ વર્ષથી તેઓ આ સદકાર્યને હેપ્પી યુથ કલબ સાથે મળીને સમગ્ર ગાંધીનગરમાં ચલાવી રહ્યા છે જે અંતર્ગત શહેરમાં હેપ્પી સ્પેરો વીકનું આયોજન કરવામાં આવે છે. હેપ્પી સ્પેરો વીક દરમિયાન શહેરમાં વિવિધ સ્થળે હેપ્પી ચકલી ઘરના વિતરણનુ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં વિવિધ વિસ્તારમાં યોજાયેલા ચકલીઘર વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમી નાગરિકોએ ચકલી ઘર મેળવ્યા હતા.

અત્યાર સુધીમાં હેપ્પી સ્પેરો વીક અંતર્ગત સેક્ટર-૧૨માં બલરામ મંદિર, સેક્ટર-૧૬માં પાટનગર યોજના ભવન, સરગાસણ ચાર રસ્તા અને કૂડાસણ ખાતે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું છે. હજુ આગામી દિવસોમાં વાવોલ, ઇન્ફોસિટી, પેથાપુર અને સેક્ટર-૨૧ વગેરે વિસ્તારમાં હેપ્પી ચકલી ઘરનું વિતરણ હાથ ધરાશે.

Previous articleગુજરાતમાં જુના ચહેરાઓને ફરી વખત તક
Next article૨૪૫ લીટર કેરોસીનના જથ્થા સાથે બે ઝડપાયા