IPLમાં ૨૦૦થી વધુ છગ્ગા ફટકારનાર ધોની પ્રથમ ભારતીય

603

મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટની દુનિયામાં અશક્યને શક્યમાં પરિવર્તિત કરવા માટે જાણીતો છે, જોકે રવિવારે બેંગલુરુ સામેની મેચમાં ધોની માત્ર એક રનથી ચૂકી ગયો. આમ છતાં ધોનીએ ગઈ કાલે અનેક રેકોર્ડ બનાવવાની સાથે ક્રિકેટ ચાહકોનાં દિલ જીતી લીધાં, કારણ કે અંતિમ ઓવરમાં ચેન્નાઈને જીતવા માટે ૨૬ રનની જરૂર હતી.

ધોનીએ ઉમેશ યાદવની ઓવરમાં શાનદાર બેટિંગ કરતાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી ૨૪ રન ફટકારી દીધા. ધોની અંતિમ બોલ પર વિનિંગ શોટ લગાવવાથી ચૂકી ગયો. નોનસ્ટ્રાઇકર એન્ડથી રન દોડતી વખતે શાર્દૂલ ઠાકુર રનઆઉટ થઈ ગયો અને આરસીબીએ માત્ર એક રનથી મેચ જીતી લીધી.

આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાની મામલામાં ધોની ત્રીજા નંબર પર પહોંચી ગયો છે એટલું જ નહીં, ધોની આઇપીએલમાં ૨૦૦થી વધુ છગ્ગા ફટકારનારો પ્રથમ ભારતીય બેટ્‌સમેન બની ગયો છે. આ લીગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ધોનીથી આગળ ફક્ત ક્રિસ ગેલ (૩૨૩) અને ડિવિલિયર્સ (૨૦૪) છે.  મહેન્દ્રસિંહ ધોનીએ મેચમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે. ધોની કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. કેપ્ટન તરીકે ધોનીએ અત્યાર સુધીમાં ૪૦૪૦ રન બનાવ્યા છે.

Previous articleઅક્ષય કુમાર અને જહોન ફરીવાર સાથે નજરે પડશે
Next articleધોની અંતિમ બોલ ચુકી જતા આશ્ચર્ય થયુંઃ પાર્થિવ પટેલ