ચાર વર્ષ પૂર્વે પોલીસ પર ફાયરીંગ કરનારને 10 વર્ષની કેદ સજા ફટકારતી કોર્ટ

1035
ફાઈલ તસ્વીર

ડીસ્ટ્રીક્ટ જજ આર.ટી.વચ્છાણીએ સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો ગ્રાહય રાખી
ચાર વર્ષ પુર્વે શહેરના બોરતળાવ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપર ફાયરીંગ કરી ગંભીર ઇજા પહોંચાડનાર આરોપી સામેનો કેસ આજરોજ ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતા અદાલતે આરોપી સામે ગુનો સાબીત માની 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. કેસના પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરીયાદી લગ્ધીરસિંહ ચંદુભા ગોહિલ (રહે.કુંભારવાડા, નારીરોડ) તથા સાહેદ દશરથસિંહ બબુભા ગોહિલ (રહે.કાળીયાબીડ) નાઓ પોલીસ કર્મચારીઓ હોય અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેઇન ચીલઝડપના ગુન્હા બનતા હોય મળેલ બાતમી આધારે મારૂતીનંદન ફલેટ નં.3, રૂમ નં.205, રામજીની વાડી , ભાવનગર ખાતે બાતમી આધારે તા.23/9/17 ના સાંજના સુમારે ખાનગી વાહન સાથે તપાસ કરવા જતા સદરહું ફલેટના પાર્કિંગમાં નીચે હોન્ડા સાઈન મો.સા.જેના રજી.નંબર જી.જે.04.બીબી .8262 નું પડેલ હોય જે મો.સા.ના રજી.નંબર જી.જે.04.બીબી.3262 લખેલ હતા. સદરહું રૂમ નં.205 માં તપાસ કરતા દરવાજાે અંદરથી બંધ હોય જે દરવાજાે ખોલાવતા આરોપી પપ્પભાઇ ઉર્ફે બહારી કમલભાઈ લઢાણી / પટેલ ( ઉ.વ.33, રહે. ગઢેચી વડલા, રામજીની વાડી, મારૂતી નંદન -3, રૂમ નં.205, ભાવનગર, મુળ તુલશીનગર ભોપાલ સીટી મધ્યપ્રદેશ) નો શખ્સ હાજર હોય તે વેળાએ દશરથસિંહ બબુભા ગોહિલનાએ હોન્ડા સાઈન મો.સા.ની આર.સી.બુક માંગતા હું બતાવી આપુ છું તેમ કહી લોખંડના કબાટનો દરવાજાે અર્ધ ખોલી ગેરકાયદેસર રાખેલ પિસ્તોલ કાઢી દશરથસિંહ ગોહિલ કંઈ સમજે તે પહેલા તેને મારી નાખવાના ઇરાદે ફાયરીંગ કરવા લાગેલ જેમાં એક ફાયર કરતા લોખંડના કબાટની આરપાર ગોળી નિકળી ગયેલ જ્યારે બીજુ ફાયર કરતા દશરથસિંહ ગોહિલ ના જમણા હાથના ખંભાના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજા કરી તેમજ ફરીયાદી લગ્ધીરસિંહ ગોહિલ ને બટકા ભરી જઇ ભાગી જવાની કોશિષ કરી રાજ્યસેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા તેમજ મહાવ્યથા કરી ગુન્હો કરેલ હોય જે તે સમયે આ કામના ફરિયાદી લગ્ધીરસિંહ ગોહિલે ઉક્ત આરોપી સામે ફરીયાદ નોંધાવતા બોરતળાવ પોલીસ મથકમાં આરોપી સામે ઈપીકો કલમ 307, 333, 332 તથા આર્મ્સ એક્ટ કલમ 25 (1) બી, 27(2) મુજબ ગુનો નોંધાયો હતો.
આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણી ની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકિલ વિપુલભાઈ દેવમુરારીની અસરકારક દલીલો, દસ્તાવેજી પુરાવા -40 , મૌખીક પુરાવા -19 વિગેરે ધ્યાને રાખી આરોપી પપ્પભાઈ ઉર્ફે બહારી કમલભાઈ લઢાણી ને ઇપીકો કલમ 307 ના શિક્ષાપાત્ર ગુના સબબ 10 વર્ષ ની સજા અને રોકડ રૂા.10,000 નો દંડ , ઇપીકો કલમ 333 ના શિક્ષાપાત્ર ગુના સબબ 7 વર્ષની સજા અને રોકડ રૂા.7000 નો દંડ, ઇપીકો કલમ 332 ના શિક્ષાપાત્ર ગુના સબબ 2 વર્ષ ની સજા અને રોકડ રૂા.2000 નો દંડ, આર્મ્સ એક્ટ ની કલમ 25 (1)(બી) ના ગુના સબબ 3 વર્ષ ની સજા અને રોકડ રૂા.3000 નો દંડ, આર્મસ એક્ટ ની કલમ 27(2) ના ગુના સબબ 10 વર્ષની સજા અને રોકડ રૂા.10,000 નો દંડ અદાલતે ફટકાર્યો હતો. આરોપી ને નામદાર કોર્ટમાં હાજર રાખવામાં આવેલ ન હોય તેથી આરોપીને જીલ્લા જેલ માં વિડીયો કોન્ફરન્સથી ઉપર મુજબની સજા સંભળાવવામાં આવેલ.

Previous articleઉમરાળાના રંઘોળી નદી ઉપરનો રંધોળા ડેમ 95 ટકા ભરાઈ જતા આજુબાજુના ગામોને એલર્ટ અપાયું
Next articleભાવનગરની ગારિયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસર અને સિવિલ ઈજનેર 16 હજારની લાંચ લેતા ઝડપાયા