ગોહિલવાડના પ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે નવરાત્રી ઉજવાશે

198

આદ્યાત્મિક કાર્યક્રમો યોજી કોરોના ગાઈડલાઈન અનુસાર ઉજવણી થશે
ગોહિલવાડના પ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે આસો નવરાત્રી મહોત્સવની સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે ઉજવણી કોરોના ગાઈડ લાઇન અનુસાર કરવામાં આવશે. નવરાત્રી ઉત્સવનો પ્રારંભ તા.૭ ને ગુરુવારથી થશે. આ પ્રસંગે સવારે ૧૧ કલાકે નિજ મંદિરેથી વાજતે ગાજતે માતાજીની આંગી માણેક ચોકમાં પધરાવામાં આવશે. બહુચરાજી મંદિર ભંડારિયા એ સૌરાષ્ટ્રના પ્રાચીન સ્થળોમાંનું એક પ્રસિદ્ધ સ્થળ છે. અહીં આસો સુદ નવરાત્રી ઉત્સવ ઉજવણીની આગવી પરંપરા રહી છે. જેમાં માણેક ચોકમાં આવેલ શક્તિ થિયેટરમાં સુશોભીત મંડપ શણગારીને નવ રાતના જાગ કરવા, રાસ-ગરબા, ભવાઈ, નાટકો ઇત્યાદી કાર્યક્રમો પરંપરાગત રાખવામાં આવ્યા છે. આસો સુદ આઠમના રોજ અષ્ટમીનો હવન રાખવામાં આવેલ છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન ભૂંગળના સુમધુર સુરો સાથે સાયં આરતી દરરોજ સાંજના ભવ્ય રીતે થશે. ભંડારિયા બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી ઉત્સવનું પરંપરાગત આયોજન થયું છે. જેમાં મંદિરે આવનાર દરેક દર્શનાર્થીએ ફરજીયાત માસ્ક પહેરવુ, તદુપરાંત કોરોના ગાઈડલાઈનનું પાલન ફરજીયાત રહેશે. સરકારની કોઈ નવી સૂચના કે નિયમ આવશે તો કાર્યક્રમમાં ફેરફારનો અવકાશ રહેશે. ભંડારિયામાં આ ઉપરાંત પ્રગટનાથ બહુચરાજી મંદિર, મેલડી માતાજી મંદિર અને સોંડાય માતાજી મંદિર દ્વારા પણ નવરાત્રિ ઉત્સવ ઉજવણીનું આયોજન પરંપરાગત રીતે કરાયું છે અને ગામની મુખ્ય બજાર તથા ચોકમાં રોશનીનો જગમગાટ કરવામાં આવશે.