ગાંધીનગર મનપા ચૂંટણીમાં ૫૪ ટકા મતદાન

574

સૌથી વધુ વોર્ડ-૭માં ૬૭ ટકા : વોર્ડ-૫માં અત્યારસુધીમાં સૌથી ઓછું ૩૭ ટકા મતદાન નોંધાયું : ૧૧ વોર્ડમાં ૪૪ બેઠકો માટે ૧૬૧ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ : ૫૪ ટકા મતદાને ભાજપ-આપને મુંઝવ્યા : પાંચ ઓક્ટોબરે પરિણામ
ગાંધીનગર,તા.૩
ગાંધીનગર મહાપાલિકાના મહાજંગ માટે રવિવારે સવારે ૭ વાગ્યાથી મતદાનની શરુઆત થઇ હતી. જેમાં મતદારોમાં ખાસ્સો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજે સુધી ૬ વાગ્યા સુધી ૫૪ ટકા મતદાન નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી લોકો પોતાના ઘરેથી નીકળી સ્વયંભૂ મતદાન કરવા નીકળ્યા હતા. તો બપોર બાદ ઘણી જગ્યાએ તોડફોડ અને હુમલો કર્યા હોવાના ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. બીજી બાજુ ભાટ ગામમાં બોગસ વોટિંગ કરાતું હોવાનો મામલો સામે આવતા એસપી મયૂર ચાવડા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને મામલાને શાંત પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમુક ફરિયાદોને બાદ કરતાં શાતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. મહાનગરપાલિકાની ૪૪ બેઠકોના ૧૬૨ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા છે. આ ચૂંટણીનું પરિણામ મંગળવારે એટલે કે ૫ ઓક્ટોબરના દિવસે જાહેર થશે. મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની સત્તા આવશે તેવો દાવા કર્યા હતા. પરંતુ મંગળવારે તમામ ચિત્ર સ્પષ્ટ થઇ જશએ કે આખરે મતદારોએ કોના પર વિશ્વાસ મૂક્યો છે.

ગાંધીનગરમાં ભાજપ માટે સત્તા ટકાવી રાખવી એ પ્રતિષ્ઠાનો સવાલ છે તો બીજી તરફ કોંગ્રેસ પુનરાવર્તન કરવા માટે આતુર બની છે, તો ત્રીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ ઝંઝાવાતી પ્રચાર કર્યો છે અને મહાપાલિકામાં મેજર અપસેટ કરવા માટે કમર કસી છે. પાંચમી ઓક્ટોબરે જ્યારે મતગણતરી હાથ ધરાશે અને પરિણામ આવશે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું પાણી મપાઇ જશે. ગાંધીનગર મહાપાલિકાના ત્રિ – પાંખિયા જંગમાં દરેક પક્ષનું પાણી મપાઇ જવાનું છે તે નિશ્ચિત છે. રવિવારે શરૂ થયેલા મતદાનમાં મતદારોએ ગજબનો ઉત્સાહ દાખવ્યો હતો . વોર્ડના દરેક ઉમેદવારોએ છેલ્લી ઘડી સુધી પ્રચાર કર્યો હતો અને કતલની રાતે પણ મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો . પ્રચારના અંતિમ દિવિસે ભાજપે મેગા રોડ શો કર્યો હતો અને તેમાં મુખ્યમંત્રી પણ જોડાયા હતા. તો કોંગ્રેસે પણ રોડ શો કર્યો હતો. અગાઉ આમ આદમી પાર્ટીએ પણ રોડ શો કર્યો હતો અને તેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા જોડાયા હતા. ભાજપ અને કોંગ્રેસ તેમજ આપ પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે કોણ મેદાન મારી જશે તેને લઈ મતદારોમાં પણ ઉત્કંઠા છે. ભાજપે ૧૧ વોર્ડમાં નવા મંત્રીઓની ફોજ ઉતારી હતી તો સામે કોંગ્રેસે પણ જુનાજોગી નેતાઓને મેદાનમાં ઉતાર્યા હતા . હવે જ્યારે આજે મતદાન પૂરું થઈ જશે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોત – પોતાના જીતના દાવા કરશે.ગાંધીનગર મહાપાલિકામાં સત્તા પરિવર્તનની લહેર જાહેવા મળશે કે ભાજપ પુનરાવર્તન કરીને સત્તા કબજે કરશે તેના ઉપર સૌ કોઇની નજર મંડાયેલી છે . બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ પૂરી તાકાતથી ઝંપલાવતાં આ ચૂંટણી અત્યંત રસપ્રદ બની છે. આમ આદમી પાર્ટીને હળવાશથી લેવાની ભૂલ કોઈએ કરી નથી અને તેના ભાગરૂપે ભાજપે આયોજનબદ્ધ રીતે પ્રચાર કર્યો હતો અને મતદારોને રિઝવ્યા હતા.