અકસ્માતમાં ઘાયલને હોસ્પિ. પહોંચાડનારને ૫ હજાર મળશે

178

અકસ્માતમાં ઘાયલના જીવ બચાવવા સરકારની પહેલ : રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને યોજના અંગે લેખિત જાણ કરી
નવી દિલ્હી,તા.૫
મોદી સરકારે રોડ અકસ્માતમાં ઘાયલ લોકોના જીવ બચાવવા માટે મોટી પહેલ કરી છે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રોડ અકસ્માતમાં પીડિતને ગંભીર ઈજા થયાના એક કલાકની અંદર હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને પાંચ હજાર રૂપિયા કેશ આપવાની વાત કરી છે. આ જાણકારી સોમવારે મંત્રાલયે આપી. આ માટે રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રધાન સચિવો અને પરિવહન સચિવોને પત્ર લખ્યો. આ પત્રમાં મંત્રાલયે કહ્યું કે આ યોજના ૧૫ ઓક્ટોબર ૨૦૨૧થી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી પ્રભાવી રહેશે. મંત્રાલયે સોમવારે ’નેક મદદગારને પુરસ્કાર આપવાની યોજના’ માટે દિશાનિર્દેશ બહાર પાડ્યા. મંત્રાલયે કહ્યું કે આ યોજનાનો હેતુ ઈમરજન્સી સ્થિતિમાં રોડ દુર્ઘટના પીડિતોની મદદ કરવા માટે નાગરિકોને પ્રેરિત કરવાનો છે. કેશ પુરસ્કારની સાથે એક પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે આ પુરસ્કાર ઉપરાંત રાષ્ટ્રીય સ્તર પર ૧૦ સૌથી નેક મદદગારોને એક એક લાખ રૂપિયાનો પુરસ્કાર પણ આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે દેશમાં દર વર્ષે લગભઘ ૫ લાખ રોડ અકસ્માતની દુર્ઘટનાઓ ઘટે છે. જેમાં લગભગ ૧.૫ લાખ લોકો માર્યા જાય છે. જ્યારે લગભગ ૪.૫ લાખથી વધુ લોકો રોડ પર અકસ્માતનો ભોગ બને છે. રોડ અકસ્માતમાં મૃત્યુ પામાનારાઓની સંખ્યા અંગે સરકાર ખુબ ચિંતિત છે. કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તમામ સ્ટેક હોલ્ડર્સને રોડ અકસ્માતમાં થતા મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે યોગ્ય પગલાં લેવાનું કહ્યું છે. જ્યારે ૨૦૨૫ સુધીમાં રોડ અકસ્માતમાં થનારા મોતમાં ૫૦ ટકાનો ઘટાડો થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે રોડ અકસ્માતોમાં થનારા મોતનું કારણ ખતરનાક સ્થિતિ બની રહી છે અને ભારત રોડ અકસ્માત મામલે પહેલા સ્થાન, અમેરિકા અને ચીનથી આગળ છે.