ભારતની ઈકોનોમીનું પાંચ ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય દૂર

240

રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર સી. રંગરાજનની ચેતવણી : કોવિડની ત્રીજી લહેરની શક્યતાને ધ્યાનમાં રાખીને પ્રયાસો જરૂરી, હેલ્થ સેક્ટરમાં પણ સરકાર રોકાણ કરે તે જરૂરી
નવી દિલ્હી, તા.૮
રિઝર્વ બેન્કના પૂર્વ ગર્વનર સી રંગરાજનનુ કહેવુ છે કે, હાલની સ્થિતિમાં ભારતની ઈકોનોમી ૨૦૨૫ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બને તે લક્ષ્ય અશક્ય છે. શૈક્ષણિક સંસ્થાના પદવીદાન સમારોહમાં હાજર સી.રંગરાજને કહ્યુ હતુ કે, કોવિડની ત્રીજી લહેરની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પ્રયાસો થવા જોઈએ. રસીકરણનો વ્યાપ વધારવા માટે હેલ્થ સેક્ટરમાં પણ સરકાર રોકાણ કરે તે જરૂરી છે. તેમણે આગળ કહ્યુ હતુ કે, કેટલાક વર્ષો પહેલા આશા હતી કે, ૨૦૨૫ સુધીમાં ભારત પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનશે. હવે આ વાત અશક્ય છે. ૨૦૧૯માં આપણી ઈકોનોમી ૨૭૦૦ અબજ ડોલરની હતી. માર્ચ ૨૦૨૨ સુધીમાં આપણે આ જ સ્તર પર હોઈશું. પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવા માટે આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે ભારતે નવ ટકાનો ગ્રોથ રેટ હાંસલ કરવો પડે તેમ છે. જે અત્યારની સ્થિતિ જોતા શક્ય લાગતુ નથી. તેમણે કહ્યુ હતુ કે, સરકાર માટે આ લક્ષ્ય પ્રાપ્ત કરવુ બહુ જરૂરી છે પણ આર્થિક સુધારા વગર તે હાંસલ કરવુ મુશ્કેલ છે. જોકે લોકડાઉનમાં ઢીલ અપાયા બાદ હવે ઈકનોમીએ ઝડપ પકડી છે તે સારી વાત છે. બે વર્ષ દરમિયાન ઉત્પાદનમાં જે નુકસાન થયુ છે તે ભરપાઈ કરવા માટે ઝડપી ગ્રોથની જરૂર છે.

Previous articleRBI એ રેપો રેટ ૪ ટકા જાળવી રાખ્યો, લોનના વ્યાજ દર નહીં વધે
Next articleભારતીય વાયુસેનાના સ્થાપના દિવસ પર રાષ્ટ્રપતિ -પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવી