RBI એ રેપો રેટ ૪ ટકા જાળવી રાખ્યો, લોનના વ્યાજ દર નહીં વધે

237

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ મોનેટરી પોલિસીની સમીક્ષા કરાઈ : આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન લિમિટ ૨ લાખથી વધારી ૫ લાખ કરવા, ઓફલાઈન રિટેલ ડિજિટલ પેમેન્ટ મોડ શરુ કરવાની દરખાસ્ત
મુંબઈ , તા.૮
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે જાહેર કરેલી પોતાની મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ સિવાય આરબીઆઈએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં જીડીપીનો દર ૯.૫ ટકા રહેશે તેવો પણ અંદાજ વ્યક્ત કર્યો છે. ગવર્નર શશીકાંત દાસે જણાવ્યું હતું કે, અર્થતંત્ર પાટે ચઢી રહ્યું છે અને ગત નાણાકીય પોલિસી જાહેર કરાઈ તેના કરતા હાલ સ્થિતિ ઘણી સુધરી છે. ઉલ્લેખનીય છે કે, મે ૨૦૨૦માં જાહેર કરાયેલી પોલિસીમાં મધ્યસ્થ બેંકે રેપો રેટમાં કાપ મૂકતા તે ૪ ટકાના ઓલ ટાઈમ નીચા સ્તરે આવી ગયો હતો. બેંકો દ્વારા અપાતી વિવિધ લોન્સના વ્યાજનો મોટો આધાર રેપો રેટમાં થતાં વધારા કે ઘટાડા પર નિર્ભર હોય છે. આરબીઆઈએ આજે જાહેર કરેલી પોલિસીની મહત્વની વાતોમાં આઈએમપીએસ ટ્રાન્ઝેક્શન લિમિટ ૨ લાખથી વધારી ૫ લાખ કરવાની દરખાસ્ત, હાલ ચાલી રહેલા નાણાકીય વર્ષમાં ફુગાવો ૫.૩ ટકા જેટલો રહેશે, ઓફલાઈન રિટેલ ડિજિટલ પેમેન્ટ મોડ શરુ કરવાની દરખાસ્ત, અનાજનું રેકોર્ડ ઉત્પાદન થવાની શક્યતા વચ્ચે ફુડ ઈન્ફ્લેશન ઘટવાની શક્યતા, સેન્ટિમેન્ટને જાળવી રાખવા પૂરતો કેશ ફ્લો જળવાઈ રહે તેવા પ્રયાસો કરાશે જેવા મુદ્દાનો સમાવેશ થાય છે. મધ્યસ્થ બેંક આજે પોલિસી જાહેર કરે તે પહેલા જ મોટાભાગના એક્સપર્ટ્‌સ માની રહ્યા હતા કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા નહિવત છે. સતત આઠમી વાર રિઝર્વ બેંકે પોતાની આર્થિક નીતિમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. આજે જાહેર કરાયેલી મોનેટરી પોલિસીને શેરબજારે પણ વધાવી લીધી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ્‌સના વધારા સાથે ૬૦,૦૦૦ની સપાટીથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બે દિવસ પહેલા સેન્સેક્સમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. જોકે, બુધવારે તેમાં સારી એવી રિકવરી જોવા મળી હતી. આજે પણ બજાર ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ બાદ હાલ દેશમાં પોઝિટિવ ઈકોનોમિક સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. ક્રુડના ભાવ ભડકે બળતા હોવા છતાંય અર્થતંત્રમાં રિકવરી દેખાઈ રહી છે, બજારોમાં માગ નીકળી છે. તહેવારોની સીઝન શરુ થઈ ચૂકી છે ત્યારે બેંકો પણ માર્કેટમાં પૂરતા પ્રમાણમાં નાણાનો પૂરવઠો ઠલવાય તેના માટે ખૂબ જ નીચા દરે લોન્સ પણ ઓફર કરી રહી છે. હોમ લોનના વ્યાજ દર હાલ રેકોર્ડ નીચલા સ્તરે ચાલી રહ્યા છે, ત્યારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ તેજીનો સંચાર થયો છે, અને મકાનોની માગ વધી છે. આ સ્થિતિમાં આરબીઆઈએ પણ વ્યાજના દરમાં કોઈ ફેરફાર ના કરીને માર્કેટનું સેન્ટિમેન્ટ જાળવી રાખવામાં મદદ કરી છે.

Previous articleભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૨૫૭ નવા કેસ નોંધાયા
Next articleભારતની ઈકોનોમીનું પાંચ ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય દૂર