કોહલી ધોનીની ઇનિંગ જોઈ ખુરશીથી ઉછળી પડ્યો

122

નવી દિલ્હી, તા.૧૧
ચેન્નઈ સુપર કિંગ્સ આઇપીએલ ૨૦૨૧ની ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની છે. પહેલી ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સને ૪ વિકેટથી હરાવ્યું.ચેન્નઈની જીતમાં ગાયકવાડ (૭૦) ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીની નાની પણ સ્ફોટક ઇનિંગે પણ અગત્યની ભૂમિકા ભજવી. ધોનીએ છેલ્લી ઓવરમાં ૩ ફોર ફટકારી અને માત્ર ૬ બોલમાં ૧૮ રનની ઇનિંગ રમી અને ચેન્નઈને બે બોલ બાકી હતા ત્યારે જીત અપાવી. તેની આ ઇનિંગ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીને પણ ખૂબ પસંદ આવી. કોહલીએ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનની ઇનિંગના ખૂબ વખાણ કર્યા.
કોહલીએ ધોનીની ઇનિંગને લઈ ટ્‌વીટ કર્યું કે, અને હવે કિંગની વાપસી થઈ ગઈ છે. દુનિયાના સૌથી શ્રેષ્ઠ ફિનિશર. આજની ઇનિંગે મને ફરી એક વાર ખુરશીથી ઉછળવા માટે મજબૂર કરી દીધો. શાનદાર. આ મેચમાં જીત નોંધાવીને ચેન્નઈએ રેકોર્ડ ૯મી વાર આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.CSK ની આ સીગમાં ૧૨મી સીઝન છે. બીજી તરફ, ધોની ૧૦મી વાર આઇપીએલ ફાઇનલમાં રમશે. તે ૯ વાર CSK અને ૧ વાર રાઇઝિંગ પુણે સ્ટાર જાયન્ટ્‌સ ટીમ માટે પણ ફાઇનલ મેચ રમી ચૂક્યો છે. ચેન્નઈથી મળેલી હાર બાદ પણ દિલ્હીની પાસે હજુ ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક છે. દિલ્હીને હવે RCB Vs KKR ની વચ્ચે રમાનારી એલિમિનેટર મેચની વિજેતા ટીમ સામે ટકરાવવું પડશે. આ મેચમાં જીતનારી ટીમ ચેન્નઇ સામે ફાઇનલમાં ટકરાશે.