જેકી ભગનાનીના પ્રેમમાં હોવાનું રકુલપ્રીતે સ્વીકાર્યું

142

મુંબઈ, તા.૧૧
બોલિવુડ એક્ટ્રેસ રકુલપ્રીત સિંહે ૧૦ ઓક્ટોબરે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. સામાન્ય રીતે બર્થ ડે પર જેનો જન્મદિવસ હોય તેને સરપ્રાઈઝ મળતી હોય છે. પરંતુ રકુલે બર્થ ડે પર એક્ટર-પ્રોડ્યુસર જેકી ભગનાની સાથેની પોતાની રિલેશનશીપ ઓફિશિયલ કરીને સૌને ચોંકાવી દીધા છે. રકુલે પોતાના ખાસ દિવસે પોતાના જીવનના ખાસ વ્યક્તિની ઓળખ દુનિયા સામે છતી કરી છે. રકુલે ઈન્સ્ટાગ્રામ પર જેકી સાથેની સુંદર તસવીર શેર કરીને રિલેશનશીપ પર મહોર લગાવી છે. રકુલના બર્થ ડે પર જેકી ભગનાનીએ તેની સાથે તસવીર શેર કરીને શુભકામના આપવાની સાથે પ્રેમનો એકરાર દુનિયા સમક્ષ કર્યો હતો. જેકીએ તસવીર શેર કરતાં લખ્યું, “તારા વિના દિવસો, દિવસો જેવા નથી લાગતા. તારા વિના સૌથી સ્વાદિષ્ટ ભોજન ખાવાની પણ મજા નથી આવતી. સૌથી સુંદર વ્યક્તિ જેનામાં મારી દુનિયા વસે છે તેને બર્થ ડેની શુભેચ્છા આપી રહ્યો છું. તું અને તારી સ્માઈલ જેટલા સુંદર છો તેટલો જ તારો દિવસ સારો રહે. હેપી બર્થ ડે મારી રકુલપ્રીત.” જેકી ભગનાનીની આ પોસ્ટનો આભાર માનવા માટે રકુલે પણ આ જ તસવીર શેર કરી હતી. તેણે લખ્યું, “થેન્ક્યૂ મારા પ્રેમ. આ વર્ષે તું મને મળેલી સૌથી મોટી ગિફ્ટ છે. મારા જીવનમાં રંગ ભરવા માટે આભાર. મને સતત હસાવા બદલ આભાર. તારા તારા જેવા હોવા માટે આભાર. આપણે સાથે ઘણી યાદો બનાવીશું.” રકુલના બર્થ ડે પર એકબીજા સાથેની એકસરખી તસવીર શેર કરીને કપલે પોતાની રિલેશનશીપ ઓફિશિયલ કરી છે. રકુલે આ પોસ્ટ મૂકતાં આયુષ્માન ખુરાએ કોમેન્ટ કરતાં લખ્યું, ’તમે બંને ????’. આ ઉપરાંત તારા સુતરિયા, રાશિ ખન્ના, કાજલ અગ્રવાલ, સોફી ચૌધરી, મુકેશ છાબરા, ટાઈગર શ્રોફ, જેક્લીન ફર્નાન્ડિઝ વગેરેએ હાર્ટના ઈમોજી દ્વારા કોમેન્ટ કરીને કપલ પર પ્રેમ વરસાવ્યો છે. દરમિયાન રકુલે હાલમાં જ અક્ષય કુમાર સાથે જેકી ભગનાનીના પ્રોડક્શન હાઉસ હેઠળ બનનારી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે.