લોકો બાળકોને કેમ ટ્રોલ કરે છે તે સમજથી બહાર : કરીના

2

મુંબઈ,
બોલિવુડ કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાન આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં બીજા સંતાનના માતા-પિતા બન્યા હતા. દીકરાનો જન્મ થયો ત્યારથી લોકો કપલે તેનું શું નામ પાડ્યું તે જાણવા માટે ઉત્સુક હતા. કરીના કપૂરે તેના પુસ્તકમાં બીજા દીકરાનું નામ જેહ ઉર્ફે જહાંગીર રાખ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તૈમૂરનો જન્મ થયો ત્યારે તેના નામને લઈને ભારે વિવાદ થયો હતો અને બીજા દીકરાનું નામ જહાંગીર પાડતા પણ આવું જ થયું. કરીના કપૂર અને સૈફ અલી ખાન જ નહીં તેમના બંને દીકરાઓને પણ સોશિયલ મીડિયા યૂઝર્સે નામના કારણે ખૂબ ટ્રોલ કર્યા. હવે એક ઈન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું ’દુનિયા બધા માટે એક સમાન છે, બધા લોકો અહીંયા ખુશ નથી રહેતા. અમે વિશેષાધિકાર મેળવનારા લોકો છીએ. અમે ટેક્સ ભરીએ છીએ. અમે કાયદાનું પાલન કરીએ છીએ.
લોકોને મનોરંજન પૂરું પાડવા માટે મહેનત કરીએ છીએ, સાથે જ અમે દુનિયાને પોઝિટિવિટી પણ આપીએ છે. તેવામાં જે લોકો પર કોમેન્ટ કરીને નેગેટિવિટી ફેલાવે છે તેઓ ભાગલા પાડવાનું કામ કરે છે. તેમના માટે કોઈ બાબત મહત્વ ધરાવતી નથી’. સૈફે વધુમાં કહ્યું ’આવી કોમેન્ટ્‌સ ન વાંચવાનો પ્રયાસ કરું છું અને ધ્યાન અન્ય પર કેન્દ્રિત કરું છું’. તો કરીના કપૂરે પણ હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં પ્રતિક્રિયા આપતા કહ્યું, જ્યારે બાળકો તેમજ પરિવારને નામને લઈને ટ્રોલ કરવામાં આવે છે, ત્યારે તેને ખરાબ લાગે છે.
તેના કહેવા પ્રમાણે, આ તેમના સુંદર છોકરાઓના સુંદર નામ છે. લોકો બાળકોને કેમ ટ્રોલ કરે છે તે તેની સમજથી બહાર છે. જો કે, એક્ટ્રેસ આવી બાબતો પર ધ્યાન આપતી નથી. એક દિવસ પહેલા સૈફ અલી ખાનની બહેન સબા અલી ખાને પણ ટીકાખોરોને જવાબ આપ્યો હતો. તેણે કરીના અને જેહની માલદીવ્સ વેકેશનની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, ’મમ્મા અને જાન જેહ. જ્યારે એક મા બાળકને પોતાના ગર્ભમાં ઉછેરે છે અને તેને જિંદગી આપે છે ત્યારે માત્ર તેને અને બાળકના પિતાને જ અધિકાર આપવો જોઈએ કે બાળક કેવી રીતે ઉછરશે. નામ અંગે તો કોઈને એટલે કોઈને બોલવાનો અધિકાર નથી. પરિવારના નિકટના સભ્યો નામ સૂચવી શકે છે પરંતુ અંતિમ નિર્ણય મા-બાપનો રહે છે. એક માએ પોતાની આત્માથી બાળકને સિંચ્યું છે અને માત્ર મા-બાપનો જ તેના પર હક છે. મને લાગે છે કે, આ બધા માટે એક રિમાઈન્ડર છે કે તેમણે આ વાતનું સન્માન કરવું જોઈએ. આજે, કાલે અને હંમેશા. લવ યુ ભાભ્સ અને બેબી જેહ. ફોઈ તરફથી પણ કિસ કરજો’.