રાજૌરીમાં આતંકીઓ સાથે અથડામણમાં પાંચ જવાનો શહીદ

78

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતીવિધિઓ તેજ બની : સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું, બાંદીપોરામાં આતંકવાદીઓના ચાર મદદગારોની ધરપકડ કરી લેવામાં આવી
શ્રીનગર , તા.૧૧
જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરના રાજૌરીમાં ફરી એક વાર સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. દુઃખદ વાત એ છે કે, આ અથડામણમાં સેનાના પાંચ જવાનો શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. કહેવાય છે કે, શહીદોમાં એક જેસીઓ અને ચાર જવાન સામેલ છે. આ પહેલાં સોમવારે સવાહે અનંતનાગ અને બાંદીપોરામાં થયેલી અલગ અલગ અથડામણમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. હાલ સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. પ્રાપ્ત રિપોર્ટ્‌સ મુજબ, રવિવારે પોલીસે બાંદીપોરામાં આતંકીઓના ચાર મદદગારોની ધરપકડ કરી હતી. જ્યારે તેઓની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે ખુલાસો થયો કે, તેમનો એક સાગરીત આ જ વિસ્તારમાં છૂપાયેલો છે. આ લોકોએ થોડા જ દિવસો પહેલાં એક કાર ચાલકની હત્યા કરી હતી. એ પછી પોલીસે પૂછપરછ બાદ આતંકીઓના ઠેકાણાને ઘેરી લીધુ હતુ. સુરક્ષાબળે જ્યારે સમગ્ર વિસ્તારને ઘેર્યો ત્યારે તેઓએ આતંકીઓને સરન્ડર કરવા માટે કહ્યું હતુ. પરંતુ આતંકીઓેએ સેનાના જવાનો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. જે બાદ સેનાએ પણ જવાબી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઠાર મરાયેલા એક આતંકીની ઓળખ ઈમતિયાઝ અહમદ ડાર તરીકે થઈ છે. તે ટીઆરએફ આતંકી સંગઠન સાથે સંકળાયેલો હતો. શાહગુંડમાં તેણે એક કાર ચાલકની હત્યા કરી હતી. કાશ્મીરમાં છેલ્લા કેટલાંકદિવસોમાં અનેક હત્યાઓ થઈ છે. જે બાદ કાશ્મીરમાં દહેશત ફેલાઈ છે. જે બાદ સેનાના જવાનો પણ અલર્ટ બન્યા છે. ત્યારે હવે સુરક્ષાબળે આ હત્યાઓમાં સામેલ આતંકીને ઠાર માર્યો છે. પૂછપરછમાં ખબર પડી કે, લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠને આતંકીઓને નાગરિકોની હત્યા કરવાની જવાબદારી સોંપી હતી. જેથી આવું કરીને તેઓ કાશ્મીરમાં ડરનો માહોલ ઊભો કરી શકે. આ સિવાય અનંતનગારમાં પણ એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. એની પાસેથી સેનાએ પિસ્તોલ પણ કબજે કરી છે. કહેવાય છે કે, એ પણ આ ગ્રૂપની જેમ જ કામ કરતો હતો. કારણ કે છેલ્લાં દિવસોમાં કાશ્મીરમાં જે હત્યા થઈ હતી તેમાં પિસ્તોલનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.