કંપનીની તિજોરીમાંથી ૧૪૨ કરોડ રૂપિયાની રોકડ મળી

150

હૈદ્રાબાદની હેટેરો ફાર્માસ્યુટિકલ ગ્રુપ પર આઈટીનાં દરોડા
નવી દિલ્હી, તા.૧૧
આવકવેરા વિભાગે હૈદરાબાદ સ્થિત હેટેરો ફાર્માસ્યુટિકલ ગ્રુપ પર દરોડો પાડ્યો હતો. ઓફિસની તિજોરીઓમાંથી રોકડા ૧૪૨ કરોડ રૂપિયા મળી આવતા દરોડો પાડવા માટે ગયેલા અધિકારીઓ દંગ રહી ગયા હતા. આ કંપની પોતાના મોટા ભાગના ઉત્પાદનોની વિદેશમાં એટલે કે, યુએસએ, યુરોપ, દુબઈ અને અન્ય આફ્રિકી દેશોમાં નિકાસ કરે છે. આવકવેરા વિભાગે ૬ રાજ્યોમાં આશરે ૫૦ જગ્યાએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તલાશી દરમિયાન ખાતાના દસ્તાવેજો, રોકડ, ડિજિટલ ઉપકરણ, પેન ડ્રાઈવ, દસ્તાવેજ વગેરે સ્વરૂપે અનેક પુરાવાઓ મળ્યા છે જેને જપ્ત કરવામાં આવ્યા છે. દરોડા દરમિયાન બોગસ અને જેની કોઈ હયાતી જ નથી તેવી કંપનીઓ પાસેથી કરવામાં આવેલી ખરીદીમાં ગરબડનો પણ ખુલાસો થયો છે. તે સિવાય જમીનની ખરીદી માટે ચુકવણીના સાક્ષીઓ પણ મળી આવ્યા અને અન્ય કાયદાકીય મુદ્દાઓની પણ ઓળખ કરાઈ. જેમ કે, કંપનીના ચોપડે વ્યક્તિગત ખર્ચ અને સંબંધિત સરકારી નોંધણીના મૂલ્ય કરતા પણ ઓછી કિંમતે જમીનની ખરીદી કરાઈ. અધિકારીના કહેવા પ્રમાણે તલાશી દરમિયાન અનેક બેંક લોકરની વિગતો મળી આવી છે જેમાંથી ૧૬ લોકર સંચાલિત છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના અહેવાલ પ્રમાણે હૈદરાબાદ સ્થિત એક પ્રમુખ ફાર્માસ્યુટિકલ જૂથ પર ૬ ઓક્ટોબરના રોજ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આશરે ૫૫૦ કરોડ રૂપિયાની બેહિસાબી આવક સામે આવી છે. અઘોષિત આવકની ભાળ મેળવવા માટે આગળની તપાસ ચાલી રહી છે.