દિલ્હીના લક્ષ્મીનગરમાંથી આતંકવાદીને ઝડપી પડાયો

116

આતંકી હથિયારો સાથે ઓળખ છૂપાવીને બેઠો હતો : તહેવારોની સીઝન વચ્ચે આતંકીઓ કંઈક મોટું કરશે તેવી શંકા હતી, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સફળતા મળી
નવી દિલ્હી,તા.૧૨
દિલ્હી પોલીસે તહેવારો પહેલા આતંકીઓની ચાલ પર પાણી ફરેવી દીધું છે. દિલ્હી પોલીસે આતંકીઓના મોટા ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસની સ્પેશિયલ સેલે લક્ષ્મીનગરના રમેશ પાર્કમાં પાકિસ્તાની આતંકીની ધરપકડ કરી છે. આ આતંકી નકલી આઈડી સાથે દિલ્હીમાં રહેતો હતો.
આતંકીની ધરપકડ સાથે જ તેની પાસેથી એકે-૪૭ રાઈફલ એક એક્સ્ટ્રા મેગઝીન અને ૬૦ રાઉન્ટ ગોળી, એક હેન્ડ ગ્રેનેટ, ૫૦ રાઉન્ટ ગોળી સાથે ૨ અત્યાધુનિક પિસ્તોલ કબજે કર્યા છે. દિલ્હીમાંથી પકડાયેલા આતંકીની ઓળખ મોહમ્મદ અશરફ અલી તરીકે થઈ છે. તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી છે. ખબર એવી પણ છે કે તે નેપાળના રસ્તે ભારતમાં પહોંચ્યો હતો. આ આતંકી દિલ્હીમાં અલી અહમદ નૂરી તરીકે નામ બદલીને રહેતો હતો. કહેવાય છે કે આતંકી અશરફ અલીને આઈએસઆઈએ દિલ્હી સહિત ભારતમાં અન્ય ભાગોમાં હુમલા માટે ટ્રેનિંગ આપી હતી. આતંકી પાસેથી ભારતનો નકલી પાસપોર્ટ પણ મળી આવ્યો છે. મહત્વનું છે કે તહેવારોની સીઝન ચાલી રહી છે આવામાં આતંકી હુમલાના ષડ્યંત્ર રચાઈ રહ્યા છે એવામાં દિલ્હી પોલીસને એક મોટી સફળતા મળી છે. હાલમાં જ ત્રણ દિવસ પહેલા દિલ્હીમાં તહેવારો દરમિયાન આતંકી હુમલાની શંકા વ્યક્ત કરીને દિલ્હી પોલીસે હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. દિલ્હી પોલીસને ઈન્ટેલિજન્સ સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે ફેસ્ટિવલ સીઝનમાં આતંકી હુમલા થઈ શકે છે. દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ શનિવારે દિલ્હી પોલીસના ટોપ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. આતંકી હુમલાના ઈનપુટ્‌સ મળ્યા બાદ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હવે આ આતંકી મોહમ્મદ અશરફ અલીની પૂછપરછ દરમિયાન કેટલાક અન્ય નામો સામે આવવાની સંભાવના છે. આ સિવાય તેણે કોઈ પ્લાનિગ કર્યા હતા કે નહીં તે દિશામાં પણ આકરી પૂછપરછ કરવામાં આવી શકે છે.