ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સમાં ૧૦૦ ટકા ક્ષમતા સાથે ઉડાનની મંજૂરી

126

કોરોના નિયમોને આધિન ડોમેસ્ટિક ફ્લાઇટ્‌સનું સંચાલન મોંઘુ હતુ : પ્રતિબંધ હટવાથી ડોમેસ્ટિક એરફેર સસ્તો થાય એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, ડોમેસ્ટિક ફ્લાઇટ્‌સમાં પેસેન્જર્સ સિટિંગ કેપિસિટી ૮૫ ટકા છે
નવી દિલ્હી,તા.૧૨
વૈશ્વિક કોરોના મહામારીને લીધે પ્રતિબંધો હેઠળ સંચાલિત થઇ રહેલી ડોમેસ્ટિક ફ્લાઇટ્‌સ હવે ૧૦૦ ટકા કેપિસિટી સાથે ઉડાન ભરી શકશે. મોદી સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ્‌સ પર પેસેન્જર્સ કેપિસિટીને લઇને તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. જે હેઠળ ૧૮ ઓક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઇટ્‌સ ૧૦૦ ટકા પેસેન્જર કેપિસિટી સાથે ઉડી શકશે. વર્તમાન સમયમાં ડોમેસ્ટિક ફ્લાઇટમાં માત્ર ૮૫ ટકા પેસેન્જર્સને બેસવાની મંજૂરી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવી રાખવા માટે સરકારે પ્રતિબંધ લાદ્યા હતા. સરકારના પ્રતિબંધ હટાવી લેવાના નિર્ણયથી પેસેન્જર્સને પણ મોટી રાહત મળી શકશે. આ નિર્ણયની સીધી અસર ફ્લાઇટ ટિકિટ રેટ પર જોવા મળશે. હાલમાં પ્લેનમાં માત્ર ૮૫ ટકા સિટિંગ કેપિસિટી રાખવાની હોવાથી ટિકિટોના ભાવ પણ વધારે વસૂલવામાં આવી રહ્યા છે. પરંતુ હવે ૧૦૦ ટકા સિટિંગ કેપિસિટીની મંજૂરી પછી એરફેરમાં ઘટાડો થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક કોરોના મહામારીને લીધે આખી દુનિયાભરના દેશો લોકડાઉન જેવા પ્રતિબંધો લાગૂ કરવા માટે મજબૂર હતા. લોકડાઉન અને કોરોના સંક્રમણ સામે અન્ય પ્રતિબંધોને લીધે મોટાભાગના દેશોનું અર્થતંત્ર પણ ગંભીર રીતે પ્રભાવિત થયું છે. આ દરમિયાન અન્ય ક્ષેત્રોની જેમ એવિએશન સેક્ટર પણ ભારે નુકસાન વેઠી ચૂક્યું છે. આ દરમિયાન બંધ કરવામાં આવેલી ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટને મહામારી નબળી પડવાની સાથે કેટલાક નિયમો મુજબ સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ડોમેસ્ટિક ફ્લાઇટમાં કોરોનાના નિયમો અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાઇ રહે એ માટે પેસેન્જર્સ સિટિંગ કેપિસિટીને લઇને કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. બીજી તરફ દેશમાં પેટ્રોલ અને ડીઝલ સહિત ઇંધણ ગેસ અને સીએનજીના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના કાળ પછી ખુલેલા અર્થતંત્રમાં મોંઘવારી પણ વધી રહી છે. એની સામે દિવાળીના તહેવારો પણ ગણતરીના દિવસોથી દૂર છે. સરકાર ધીમે ધીમે કોરોનાને લીધે કરાયેલા પ્રતિબંધો હળવા અથવા હટાવી રહી છે.
જે દેશની આર્થિક સ્થિતિ માટે સારા સંકેત છે.