વીરૂની નકલ કરતાં હેમામાલિની બોલ્યાં શોલેનો ફેમસ ડાયલોગ

123

કૌન બનેગા કરોડપતિ ૧૩ના આ શુક્રવારે પ્રસારિત થનારા એપિસોડમાં શોલેની ટીમનું રિયૂનિયન થશે. અમિતાભ બચ્ચનના આ શોમાં શાનદાર શુક્રવાર એપિસોડમાં હેમામાલિની અને ફિલ્મ ’શોલે’ના ડાયરેક્ટર રમેશ સિપ્પી હોટસીટ પર બેસશે. જણાવી દઈએ કે, ફિલ્મ શોલેમાં હેમામાલિનીએ બસંતીનો રોલ નિભાવ્યો હતો જ્યારે અમિતાભ બચ્ચન જયના રોલમાં અને ધર્મેન્દ્ર વીરુના રોલમાં હતા. આ ફિલ્મના અનેક પાસા એવા છે જે તેને ક્લાસિક બનાવે છે. શોલે ફિલ્મ રિલીઝ થયાને ૪૬ વર્ષ પૂરા થયા છે. આ જ પ્રસંગે હેમામાલિની, રમેશ સિપ્પી અને અમિતાભ બચ્ચને જૂની યાદોને વાગોળી છે. હેમામાલિનીએ કૌન બનેગા કરોડપતિ ૧૩માં પતિ ધર્મેન્દ્રની નકલ ઉતારી હતી. તેઓ શોલેનો ફેમસ ડાયલોગ ’બસંતી ઈન કુત્તો કે સામને મત નાચના’ બોલ્યા હતા. ફિલ્મમાં આ ડાયલોગ વીરૂ એટલે કે ધર્મેન્દ્ર બોલે છે. ત્યારે ’કૌન બનેગા કરોડપતિ ૧૩’ના મંચ પર હેમામાલિની બોલ્યા હતા અને તેમનો અંદાજ જોઈને અમિતાભ બચ્ચન અને રમેશ સિપ્પી હસી પડ્યા હતા. શોના મેકર્સ ’કૌન બનેગા કરોડપતિ ૧૩’ના આગામી એપિસોડના પ્રોમો જાહેર કર્યા છે. એક પ્રોમોમાં હેમામાલિની ધર્મેન્દ્રનો ડાયલોગ બોલીને તેમની નકલ કરે છે જ્યારે બીડા પ્રોમોમાં અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાના પાત્ર જયમાં ઢળતા જોવા મળે છે. અમિતાભ બચ્ચન જય બનીને પૂછે છે, ’તુમ્હારા નામ ક્યા હૈ બસંતી?’ ત્યારે ધર્મેન્દ્રની નકલ કરતાં હેમામાલિની કહે છે, “સાલા નૌટંકી કરતા હૈ, જબ દેખો ડ્રામા કરતા હૈ.” આ સાંભળીને અમિતાભ બચ્ચન ખડખડાટ હસી પડે છે. શો દરમિયાન અમિતાભ બચ્ચન, હેમામાલિની અને રમેશ સિપ્પી ફિલ્મની ઘણી જૂની યાદો વાગોળતા જોવા મળશે. ’શોલે’ બોલિવુડની સૌથી પોપ્યુલર ફિલ્મો પૈકીની એક છે ત્યારે આ એપિસોડ ફિલ્મના ચાહકોને મોજ કરાવી દેશે. ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા આ પ્રોમોએ દર્શકોમાં ઉત્સુકતા વધારી છે. પ્રોમો જોતાં લાગી રહ્યું છે કે, ’શોલે’ રિયૂનિયનનો એપિસોડ ખૂબ મજેદાર બની રહેવાનો છે.