કેન્દ્રએ દુરોપયોગ કર્યો હોત તો ઠાકરેનું અડધું મંત્રીમંડળ જેલમાં હોતઃ ફડનવીસ

142

ઉધ્ધવે NCBની કામગીરીની ટીકા કરતા ભાજપનો પ્રહાર : ભાજપ મહારાષ્ટ્રને બંગાળ નહીં બનવા દે એવો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કરેલો દાવો
મુંબઈ, તા.૧૬
એનસીબી એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કામગીરીની મહારાષ્ટ્ર સીએમ ઉધ્ધવ ઠાકરેએ કરેલી ટીકા બાદ હવે ભાજપે પણ તેનો વળતો જવાબ આપ્યો છે. હવે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસે કહ્યુ છે કે, મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેની સરકાર ઈતિહાસની સૌથી ભ્રષ્ટ સરકાર છે. મહારાષ્ટ્રમાં આઈટીની રેડ દરમિયાન વસૂલી માટેના સોફટવેરનો પણ ખુલાસો થયો છે. જેનો ઉપયોગ કોની પાસે કેટલા પૈસા વસુલ કરવાના છે તેની જાણકારી વચેટિયાઓને આપવા માટે કરાતો હતો. તેમણે કહ્યુ હતુ કે, ઉધ્ધવ ઠાકરે કહે છે કે કેન્દ્ર સરકાર એજન્સીઓનો દુરપયોગ કરે છે પણ જો ખરેખર એવુ કર્યુ હોત તો ઉધ્ધવ ઠાકરેનુ અડધુ મંત્રીમંડળ અત્યારે જેલમાં હોત. સાથે સાથે ફડનવીસે કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રને બંગાળ નહીં બનાવા દેવાય. ભાજપ આવુ નહીં થવા દે.ઉલ્લેખનીય છે કે, આર્યન ખાન ડ્રગ્સ કેસના બહાને ઉધ્ધવ ઠાકરેએ એનસીબી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, તમે ચપટીભર ગાંજો સૂંઘનારાઓને માફિયા કહો છો, કોઈ સેલિબ્રીટીને પકડો છો અને ફોટા પડાવો છે. અમારી પોલીસે ૧૫૦ કરોડ રૂપિયાનુ ડ્રગ્સ પકડયુ છે.