પૂર્વ દિગ્ગજ બેટ્‌સમેન વીરેન્દ્ર સેહવાગ અને આશીષ નેહરાએ આઇપીએલ ૨૦૨૧ની પોતાની સૌથી ટોપ મુમેન્ટ દર્શકોની સાથે શેર કરી

3757

દુબઇ,તા.૧૮
કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ આઇપીએલ ફાયનલ જીતી ચેન્નાઈ સુપર કિંગ્સએ ચોથો ખિતાબ પોતાના નામે કર્યો છે.ે આ આઇપીએલની સૌથી શાનદાર પળોને પણ લોકો પોતાના અંદાજમાં યાદ કરી રહ્યા છે. એવામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્‌સમેન વીરેન્દ્ર સેહવાગ અને આશીષ નેહરાએ આઇપીએલ ૨૦૨૧ની પોતાની સૌથી ટોપ મુમેન્ટ દર્શકોની સાથે શેર કરી છે. ક્રિકબજ લાઈવના પોસ્ટ મેચ શોમાં બંને ખેલાડીઓએ આ સિઝનની પોતાની શ્રેષ્ઠ પળ દર્શકો સાથે શેર કરી હતી. પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નેહરાએ આ આઇપીએલ સિઝનની સૌથી ચોંકાવનારી પળ દર્શકો સાથે શેર કરી છે, કોલકાતા નાઈટ રાઈડર્સના ઓલરાઉન્ડર સુનીલ નરીન સામાન્યરીતે વિકેટ લીધા બાદ કોઈ પણ પ્રકારનું સેલિબ્રેશન નથી કરતો.પરંતુ ફાયનલમાં ઋતુરાજ ગાયકવાડની વિકેટ લીધા બાદ તેણે તે સેલિબ્રેટ કરી, જેને આશીષ નેહરાએ આ આઇપીએલની સૌથી શ્રેષ્ઠ પળ ગણાવી છે. આશીષ નેહરાએ તેની પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, ઋતુરાજ ગાયકવાડની વિકેટ લીધા બાદ સુનીલ નરીનનું જે રિએક્શન આવ્યું તે મને ખૂબ જ પસંદ આવ્યું. કારણ કે, તેણે પોતાની ભાવનાઓને દર્શાવી અને તેની ખુશી મનાવી. સુનીલ નરીનને અગાઉ ક્યારેય આવુ કરતા નથી જોયો.લીગ સ્ટેજમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્‌સમેન ઋતુરાજ ગાયકવાડે ધુંઆધાર સદી ફટકારી હતી. પારીની છેલ્લી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ તોફાની બેટિંગ કરવાની શરૂ કરી અને ઋતુરાજ ગાયકવાડ માટે સદી ફટકારવી પણ મુશ્કેલ બનાવી દીધી હતી. પરંતુ, ૨૦મી ઓવરની છેલ્લી બોલ પર તેણે છગ્ગો મારીને પોતાની સદી પૂરી કરી હતી. આ પળ વીરેન્દ્ર સેહવાગ માટે આ સિઝનની સૌથી શ્રેષ્ઠ પળ હતી. તેણે આ મુમેન્ટને લઈને કહ્યું કે, ઋતુરાજ ગાયકવાડે ૧૦૦ રન બનાવ્યા, કારણ કે રવિન્દ્ર જાડેજાએ તેના ૧૦૦ રન બનાવવાની તક લગભગ દૂર કરી દીધી હતી. હું પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થયો છો, આથી તે હું સમજી શકું છું.