ભારતે ૧૦૦ કરોડ લોકોને રસીકરણ કરી ઈતિહાસ રચ્યો

4

કોરોના સામેની લડાઈમાં ભારતે મહત્વપૂર્ણ પડાવ પાર કર્યો : શરૂ કરવામાં આવેલા રસીકરણ મહાભિયાના ૨૭૯ દિવસમાં જ દેશમાં ૧૦૦ કરોડ લોકોને રસી અપાઈ
નવી દિલ્હી, તા.૨૧
ભારતે કોરોના સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ પડાવ પાર કર્યો છે. દેશમાં ગત ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ શરું થયેલા કોરોના રસીકરણના મહાઅભિયાનમાં ઐતિહાસિક ઘડી આવી છે જ્યારે આજે દેશમાં કુલ ૧૦૦ કરોડ લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. આ સાથે જ નિષ્ણાંતો હાલની સ્થિતિને જોતા કોરોનની ત્રીજી લહેર આવવાની શક્યતાને દૂર સુધી જોતા નથી. તો બીજી તરફ દૈનિક કેસ લોડ પણ સતત ઘટી રહ્યો છે જેનાથી ભારતે કોરોના સામેની જંગ જીતી લીધી હોય તેવું લાગી રહ્યું છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનુસખ માંડવિયાએ ટિ્‌વટ કરીને લખ્યું હતું કે આવો અમારી સાથે જોડાવ અને ઈતિહાસને રચાતા જુઓ. દેશમાં કોરોના સંક્રમણને કાબુમાં કરવા માટે શરું કરવામાં આવેલા રસીકરણ મહાભિયાના ૨૭૯ દિવસમાં જ દેશમાં ૧૦૦ કરોડ લોકોને રસી આપી દેવામાં આવી છે. આજે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં કોવિડ ડેશ બોર્ડ મુજબ ૧૪,૬૬,૭૦૭ લોકોને રસી આપવામાં આવી છે. આ સાથે જ ભારતે એક ઇતિહાસ રચી દીધો છે. આ તકે વડાપ્રધાન મોદી પણ દિલ્હીમાં આરએમએલહોસ્પિટલ પહોંચ્યા હતા અને આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા હતાં. તો બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપ અને સરકાર તરફથી કોરોના રસીકરણના ૧૦૦ કરોડના આંકડાની સિદ્ધિને બિરદાવવા માટે ઠેર ઠેર ખાસ લાઈટિંગ કરવામાં આવી છે. મહત્વું છે કે દેશમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના કેસ સતત ઘટી રહ્યા છે. તેવામાં https://www.covid19india.org/ ના ડેટા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં દૈનિક નવા કોરોના કેસની સંખ્યામાં પાછલા ૨૪ કલાક કરતાં થોડો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૮,૩૫૭ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે જ્યારે ૧૬૦ લોકોના કોરોનાથી મોત થયા છે. તો બીજી તરફ ૧૭,૫૫૮ લોકો કોરોનાથી સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી મુક્ત થયા છે. જેના કારણે હાલ દેશમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા ૧,૭૨,૫૧૯ છે. કોરોના રસીકરણ મહાભિયાનના પ્લાનિંગને રેખાંકિત કરનાર નીતિ આયોગના ડો. વી.કે. પૌલે દેશવાસીઓને શુભેચ્છા સંદેશ આપતાં કહ્યું કે દેશના લોકો અને તેની સાથે ખાસ કરીને હેલ્થ વર્કર્સ આ અભિનંદનને પાત્ર છે. જેમણે માત્ર ૯ જ મહિનાના ટૂંકા ગાળામાં આટલા મોટા લક્ષ્યને પ્રાપ્ત કર્યું છે. અત્યાર સુધીમાં દેશમાં ૧૦૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ૭૦ કરોડ ૭૭ લાખ ૧૮ હજાર ૭૦૩ લોકોએ એક ડોઝ લીધો છે અને ૨૯ કરોડ ૧૬ લાખ ૯૭ હજાર ૦૧૧ લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે. આ ઐતિહાસિક તકે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થવા પરની ઉજવણીના સંદર્ભમાં એક ગીત અને એક ફિલ્મ પણ લોન્ચ કરશે. આ કાર્યક્રમ બપોરે ૧૨.૩૦ કલાકે લાલ કિલ્લા પર રાખવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગીતમાં કૈલાશ ખેરે અવાજ આપ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ૧૪૦૦ કિલોનો દેશનો સૌથી મોટો તિરંગો પણ લાલ કિલ્લા પર લગાવવામાં આવે તેવી અપેક્ષા છે. ભલે આપણે ૧૦૦ કરોડ ડોઝના આંકને પાર કર્યો હતો. પરંતુ દેશની માત્ર ૨૦% વસ્તીને સંપૂર્ણ વેક્સિન આપવામાં આવી છે. વેક્સિનનો એક જ ડોઝ ૨૯% વસ્તીને આપવામાં આવ્યો છે. તેથી માસ્ક પહેરવાથી મુક્ત થવા માટે અત્યારે આપણે રાહ જોવી પડશે. નિષ્ણાંતોના અનુસાર જ્યાં સુધી ૮૫% વસ્તી પૂર્ણ રીતે વેક્સિનેટ નથી થઈ જતી ત્યાં સુધી આવું કરવું જોખમભર્યું બની શકે છે. જે દેશોમાં માસ્ક પહેરવાથી મુક્તિ આપવામાં આવી છે ત્યાં જનસંખ્યા ભારતની સરખામણી ઘણી ઓછી છે. એવામાં આપણે આપણી જરૂરિયાતના હિસાબ પ્રમાણેના નિર્ણયો લેવા જોઈએ. એક રિપોર્ટ મુજબ આગામી જાન્યુઆરી સુધીમાં દેશની ૬૦ થી ૭૦% વસ્તી સંપૂર્ણપણે વેક્સિનેટ થઈ જશે. આ સમય સુધીમાં ભારત હાર્ડ ઇમ્યુનિટી મેળવી લેશે. એના પછી લોકોને માસ્ક પહેરવાથી સંપૂર્ણપણે મુક્તિ મળી શકે છે. એકંદરે, એવું કહી શકાય કે માસ્કથી સંપૂર્ણ મુક્તિ માટે આપણે ઓછામાં ઓછા હજુ ૫ થી ૬ મહિના સુધી રાહ જોવી પડશે.