કુંભારવાડા પ્લાસ્ટીક વેસ્ટ કારખાનામાં લાગેલી આગને ફાયર બ્રિગેડે ૮૦ હજાર લીટર પાણી છાંટીને બુઝાવી

9

શહેરના કુંભારવાડા નારી રોડ પર સંતોકબા મિલ કંપાઉન્ડમાં આવેલ એક પ્લાસ્ટીક વેસ્ટના કારખાનામાં ગતરાત્રીના સમયે અચાનક આગ લાગતા ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. જેમાં ફાયર બ્રિગેડે સતત ૧૧ કલાકની જહેમત બાદ ૮૦ હજાર લીટર પાણીનો છંટકાવ કરી વિકરાળ આગને કાબુમાં લીધી હતી. આગમાં નુકશાની કે કારણ જાણવા મળેલ નથી. બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના કુંભારવાડા નારીરોડ પર સંતોકબા મિલ કંપાઉન્ડમાં આવેલ ચંદુભાઈ મનસુખભાઈ પારેખની માલીકીના પ્લાસ્ટીક વેસ્ટના સામાનના કારખાનામાં ગતરાત્રીના ૧૦ વાગ્યાના સુમારે આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તુરંત ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્લાસ્ટીક વેસ્ટેઝના કારખાનામાં લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. અને દુર સુધી આગની જ્વાળાઓ તથા ધુમાડાના ગોટાઓ નજરે ચડતા હતા આગ લાગ્યાની જાણ થતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. અને ટ્રાફીકજામની પરિસ્થિતી સર્જાય હતી. ફાયર બ્રિગેડે આગને કાબુમાં ચાર ફાયર ફાયટર તથા સાત હેવી બ્રાઉઝર મળી કુલ ૮૦ લીટર પાણીનો છંટકાવ કરી ૧૧ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ ઉપરાંત જેસીબી વડે પ્લાસ્ટીક વેસ્ટને છુટુ પણ પાડવામાં આવ્યુ હતું. દરમિયાન વિકરાળ આગથી બાજુમાં આવેલા ભાવેશભાઈ પ્રવિણભાઈ શાહના પ્લાસ્ટીકના કારખાનાને બચાવી લેવામાં આવ્યુ હતું. આમ ફાયર બ્રિગેડને જવાનોએ આખી રાતની જહેમત બાદ આગ કાબુમાં લઈ સવારે ૯ કલાકે ટીમ ફાયર બ્રિગેડ પરત ફરી હતી. આગ લાગવાનું કારણ તથા નુકશાનીનો આંક જાણવા મળેલ નથી.