ઉત્તરાખંડમાં ૯ ટ્રેકર્સનાં મૃતદેહ મળ્યા, કુલ મૃત્યુઆંક ૬૪ થયો

95

ચારધામ યાત્રા માટે ગુજરાત સહિતના રાજ્યોથી આવેલા પ્રવાસી ફસાયા હોવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
દહેરાદૂન , તા.૨૨
ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીનો મૃત્યુઆંક વધીને ૬૪ પર પહોંચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રેકિંગ માટે ગયેલા ૧૧ લોકોમાંથી ૯ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. રાજ્ય સરકારે કહ્યું છે કે વરસાદને કારણે રાજ્યને ૭,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રમાં કપકોટમાં પાંચ પ્રવાસીઓના મોતની સાથે રાજ્યમાં વરસાદ સંબંધિત દુર્ઘટનામાં મૃત્યુઆંક ગુરુવારે વધીને ૬૪ થયો છે. નૈનીતાલ જિલ્લામાં સૌથી વધુ ૩૪ લોકોના મોત નોંધાયા છે. સાથે જ ચારધામ યાત્રા માટે ગુજરાત સહિતના રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓને પણ ત્યાં જ ફસાયા હોવાથી તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની રાજ્ય મુલાકાતના દિવસે સુંદરગંગા ગ્લેશિયર નજીક બાગેશ્વર જિલ્લાના કપકોટ નજીક ફસાયેલા પ્રવાસીઓના મોતની પુષ્ટિ થઈ છે. શાહ રાજ્યમાં પૂરના નુકસાનનો હવાઈ સર્વે કરવા આવ્યા હતા. રાજ્ય સરકારે આ દુર્ઘટનામાં ૭,૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો દાવો કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચંપાવત જિલ્લામાં ૧૧ લોકોના મોત થયા છે. એનડીઆરએફની ૧૭ ટીમ, એસડીઆરએફની ૬૦ ટીમ, પીએસીની ૧૫ કંપનીઓ અને ૫ હજાર પોલીસકર્મીઓ હજુ પણ રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. બીજી તરફ ટ્રેકિંગ માટે ગયેલા ૧૧ માંથી ૨ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના ૯ ના મોત થયા છે. જેમાંથી મોટાભાગના બંગાળના હતા. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં રેડ એલર્ટ બાદ સમગ્ર રાજ્યમાં જળપ્રલયની સ્થિતિ સર્જાઈ હતી. નદી-નાળાઓ ઉભરાઈ જતાં પૂર આવ્યું હતું, જેમાં અનેક પુલ કાગળની જેમ વહ્યા હતા અને ગાડીઓ પણ પાણીમાં તણાઈ હતી. હાલ સમગ્ર સ્થિતિનો સર્વે કરાઈ રહ્યો છે અને ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Previous articleચીનમાં કોરોનાની વાપસીએ સમગ્ર દુનિયામાં ચિંતા વધારી
Next articleવાર્ષિક ૮ લાખ આવક ધરાવનાર કેવી રીતે આર્થિક કમજોર વર્ગમાં આવી શકેઃ સુપ્રિમ