કોવિડનો નવો જ વેરિયન્ટ એવાય.૪.૨ દેશમાં જોવાયો

6

દેશમાં કોરોનાના ઘટતા કેસની વચ્ચે ચિંતાજનક બાબત : હાલ ડેલ્ટા પ્લસ – એવાય.૪.૨ના ડેટા ફક્ત યુકેથી આવ્યા છે અને ભારતમાં પણ તેના કેટલાક કેસ સામે આવ્યા
નવી દિલ્હી, તા.૨૫
ભારતમાં ઘટી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે એક ચિંતાજનક વાત સામે આવી છે. બ્રિટન અને યુરોપના અનેક દેશોમાં તબાહી મચાવનારો કોવિડનો નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ – એવાય.૪.૨ હવે ભારતમાં પણ સામે આવ્યો છે. આ વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ વધારે સંક્રામક છે. સીએસઆઈઆર ઈન્સ્ટિટ્યુટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીના ડાયરેક્ટર ડોક્ટર અનુરાગ અગ્રવાલે જણાવ્યું કે, હાલ ડેલ્ટા પ્લસ – એવાય.૪.૨ના ડેટા ફક્ત યુકેથી આવ્યા છે અને ભારતમાં પણ તેના કેટલાક કેસ સામે આવ્યા છે. વૈજ્ઞાનિકો તેના પર નજર રાખી રહ્યા છે. શું નવો વેરિએન્ટ કોવિડ વેક્સિન દ્વારા બનેલી ઈમ્યુનિટીને નબળી પાડી રહ્યો છે તે અંગે હજુ કોઈ જ પુરાવા નથી મળ્યા. આ સાથે જ હજુ એ અંગેના પણ ખૂબ જ ઓછા પુરાવા મળ્યા છે કે, સંક્રમણથી થતી બીમારી અને મૃત્યુ પણ આ નવા મ્યુટેશન સાથે સંકળાયેલા છે. આઈએનએસએસીઓજીના એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે, જલ્દી જ આ વેરિએન્ટના કેસની ઘોષણા કરવામાં આવશે. આઈએનએસએસીઓજી કોરોનાની જીનોમિક સિક્વન્સ પર કામ કરનારી લેબ્સનો એક સંઘ છે. આઈએનએસએસીઓજીના અહેવાલ પ્રમાણે ૧૧મી ઓક્ટોબર સુધીમાં ભારતમાં એવાય વેરિએન્ટના ૪ હજાર ૭૩૭ કેસ સામે આવી ચુક્યા છે. એવાય.૪.૨ વેરિએન્ટના કારણે બ્રિટનમાં ફરી એક વખત સંક્રમણ વધી ગયું છે. યુકેના વૈજ્ઞાનિકોએ તેને વેરિએન્ટ અંડર ઈન્વેસ્ટિગેશન તરીકે ક્લાસિફાઈ કર્યો છે. યુકેના સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા પ્રમાણે એવાય.૪.૨નો ગ્રોથ રેટ ડેલ્ટાની સરખામણીએ ૧૭ ટકા વધારે છે.