પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૯% વધ્યા છતાં વપરાશ ઘટવાની જગ્યાએ વધ્યો

2

ઈંધણના વધતા ભાવથી લોકો પરેશાન છે અને ગુસ્સો દર્શાવી રહ્યા છે : ટ્રાન્સપોર્ટ બિઝનેસ સાથે સંકળાયેલાનું કહેવું છે કે દરરોજ વધતા ભાવથી સૌથી વધુ નુકસાન અમને વેઠવું પડી રહ્યું છે, રાંધણ ગેસના ભાવમાં વધારો
નવી દિલ્હી,તા.૨૬
છેલ્લા છ મહિનામાં તમારી આવક ભલે વધી ન હોય, પરંતુ તમારો ખર્ચ ચોક્કસ વધી ગયો હશે! છેલ્લા છ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૯% જેટલો વધારો થયો છે. ૧૫ એપ્રિલે અમદાવાદમાં પેટ્રોલની કિંમત ૮૭.૫૭ રૂપિયા પ્રતિ લિટર હતી જે વધીને ૧૦૪.૨૪ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. તો ડીઝલની કિંમત જે ૮૬.૯૬ રૂપિયા હતી તે વધીને ૧૦૩.૮૧ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાને કારણે ઈંધણના ભાવમાં વધારો થયો છે. જોકે તહેવારોની સિઝનના કારણે પેટ્રોલ ડીઝલના વેચાણમાં ભાગ્યે જ કોઈ તફાવત જોવા મળી રહ્યો છે અને તહેવારોના કારણે ચહલપહલ વધી છે અને ઉલ્ટાનો વપરાશ વધી રહ્યો છે, એમ અમદાવાદના એક પેટ્રોલિયમ પ્રોડક્ટના ડીલરે જણાવ્યું હતું. જોકે, ગ્રાહકો ભાવમાં સતત વધારાથી નારાજ છે. ભાવને નિયંત્રિત કરવામાં ડીલરોની કોઈ ભૂમિકા ન હોવા છતાં, ગ્રાહકો તેમની નિરાશા અમારા પર ઠાલવતા હોય છે. પેટ્રોલ ડીઝલ જ નહીં ગેસના ભાવમાં પણ તોતિંગ વધારો થઈ રહ્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડએ પણ રેસિડેન્શિયલ ગ્રાહકો માટે પાઇપ્ડ નેચરલ ગેસના ભાવમાં ફરી વધારો કર્યો છે. કંપનીએ ૧૧ ઓક્ટોબરના રોજ ૧.૬૦ MMBtu સુધીના દ્વિમાસિક વપરાશ માટે અમદાવાદમાં ડોમેસ્ટિક PNGની કિંમત રુ.૧૦૬૧.૨૦ રુપિયાથી વધારીને રુ. ૧,૦૮૯.૨૦ પ્રતિMMBtu (મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ) સુધી વધારી છે. તો ૧.૬૦ MMBtu થી વધુના વપરાશ પર કિંમતને રુ.૧,૨૭૩.૪૪ થી વધારીને રુ. ૧,૩૦૭.૦૪ પ્રતિ MMBtu કરવામાં આવી છે. તો વડોદરા માટે કંપનીએ ડોમેસ્ટિક પીએનજીના ભાવ રુ. ૯૮૧.૧૨ પ્રતિ MMBtu થી વધારીને રુ. ૧,૦૦૯.૧૨ પ્રતિ MMBtu કર્યા છે. ટેક્સ સિવાયના આ દરો ૨૪ ઓક્ટોબરથી લાગુ કરવામાં આવ્યા છે. ઈંધણના ભાવમાં વધારાને પગલે પરિવહન, ખાનગી કેબ્સ અને બસોના ખર્ચમાં પણ વધારો થયો છે. ગુજરાત લક્ઝરી કેબ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ ચંદ્રેશ પટેલે જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા સાથે, અમે અમારા પ્રતિ કિલોમીટરના ટેરિફમાં આશરે ૨૦%નો સુધારો કર્યો છે. પટેલે ઉમેર્યું જો કે, અમારું માર્જિન સતત ઘટી રહ્યું છે કારણ કે છેલ્લા છ મહિનામાં પેટ્રોલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આની સીધી અસર અમારી આવક પર પડી રહી છે. તેવી જ રીતે ટ્રાન્સપોર્ટરો પણ વધી રહેલા ઇંધણના ખર્ચનો સામનો કરી રહ્યા છે. અખિલ ગુજરાત ટ્રાક ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ મુકેશ દવેએ જણાવ્યું હતું કે, ઈંધણના ભાવમાં દૈનિક સુધારો હવે વ્યવહારિક નથી કારણ કે અમારે માલસામાનના પરિવહન માટે પહેલાથી જ નેગોસિએશન કરીને નક્કી કરાયેલા દરો પર કામ કરવું પડે છે અને તેના કારણે સતત વધુને વધુ નુકસાન સહન કરવું પડે છે. દવેએ ઉમેર્યું કે ઇંધણના ભાવમાં વારંવાર વધારો થતો હોવાથી, અમે અમારા ટ્રાન્સપોર્ટ કરારમાં એક કલમ ઉમેરી છે. જો કોન્ટ્રાક્ટની માન્યતા દરમિયાન કિંમત ચોક્કસ થ્રેશોલ્ડ કરતાં વધી જાય, તો અમે લાગુ પડતા ટ્રાન્સપોર્ટ ચાર્જમાં તેના આધારે વધારો કરીએ છીએ. જો કે, તેમણે જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટરોને ભાવમાં બાકીનો વધારો ઝીલવાની ફરજ પડે છે. અમારા ઈનપુટ કોસ્ટ કોમ્પોનન્ટમાં ઈંધણનો હિસ્સો ૫૦% છે, જેના પરિણામે અમારા નફાના માર્જિનમાં ઘટાડો થાય છે અથવા તો ક્યારેક નુકસાન પણ થાય છે, તેમણે કહ્યું. “પેટ્રોલ અને ડીઝલને ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સના દાયરામાં લાવવા માટે શ્રેણીબદ્ધ રીતે અનેક રજૂઆતો કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના ટોચના વેપારીઓ પણ ભાવમાં વધારાના કારણે આર્થિક બોજો વધી રહ્યા અનુભવી રહ્યા છે કારણ કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો અને કુદરતી ગેસ અને કોલસાના ખર્ચ સાથે તેમનો ઇનપુટ ખર્ચ વધે છે.