કેપ્ટન અમરિંદર સિંહે નવી પાર્ટીની કરેલી જાહેરાત

4

૧૧૭ વિધાનસભા સીટો પર ચૂંટણી લડીશું, એક વખત ચૂંટણી પંચમાંથી મંજૂરી મળ્યા બાદ તે જલદી પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હની જાહેરાત કરશે
નવી દિલ્હી, તા.૨૭
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે જાહેરાત કરી કે તે પોતાની રાજકીય પાર્ટી બનાવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ- એક વખત ચૂંટણી પંચમાંથી મંજૂરી મળ્યા બાદ તે જલદી પાર્ટીના નામ અને ચૂંટણી ચિન્હની જાહેરાત કરશે. તેમણે ચંડીગઢમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું- ચૂંટણી પંચ પાસે મંજૂરી મળ્યા બાદ પાર્ટીની રચના થશે અને મારા વકીલ તેના પર કામ કરી રહ્યા છે. કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં પોતાની સરકારની ૪.૫ વર્ષની સિદ્ધિઓ ગણાવી અને પત્રકાર પરિષદમાં બધાને જણાવી હતી. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ- જ્યારે સમય આવશે તો અમે તમામ ૧૧૭ વિધાનસભા સીટો પર ચૂંટણી લડીશું. પછી ભલે તે કોઈ પાર્ટી સાથે ગઠબંધન હોય કે પછી બધી સીટો પર ઉમેદવાર ઉતારવા પડે. કેપ્ટન અમરિંદર સિંહે પોતાની પત્રકાર પરિષદમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ના સંબંધમાં વાત કરતા કહ્યુ કે, તે જ્યાંથી ચૂંટણી લડશે, અમે તેની વિરુદ્ધ ઉમેદવાર ઉતારીશું. ઉલ્લેખનીય છે કે સિદ્ધુએ કેપ્ટન અમરિંદર સિંહને નિશાન બનાવતા ટ્‌વીટ કર્યુ છે. તેના પર પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ, તેને કંઈ ખ્યાલ નથી, તે વધુ બોલે છે, તેને મગજ નથી. મેં ક્યારેય અમિત શાહ અને ઢિંઢસા સાથે આ સંબંધમાં વાત કરી નથી, પરંતુ હું કરીશ. હું કોંગ્રેસ, શિરોમણી અકાલી દલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ મજબૂતીથી લડવા ઈચ્છુ છું. હું તેમની સાથે વાત કરીશ અને આ પાર્ટીઓને હરાવવા માટે સંયુક્ત મોર્ચો બનાવીશ. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્‌વીટ કરીને જાહેરાત કરી હતી કે કેપ્ટન અમરિંદર સિંહ આજે પોતાની પાર્ટીની જાહેરાત કરશે. રવીન ઠુકરાલે ટ્‌વીટમાં તે પણ દાવો કર્યો હતો કે જો કિસાનોના આંદોલનનો મુદ્દો ઉકેલાય અને તે કિસાનોના પક્ષમાં રહે તો કેપ્ટન અમરિંદર સિંહની આ નવી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સાથે ગઠબંધન પણ કરી શકે છે.