સિદ્ધાર્થ શુક્લાની યાદમાં શહેનાઝે ગીત બનાવ્યું

110

મુંબઈ,તા.૨૯
ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાના નિધનને દોઢ મહિનાથી વધુનો સમય વિતી ગયો છે. સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક નિધનથી પરિવાર અને મિત્રો ઉપરાંત ફેન્સ પણ ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા. સિદ્ધાર્થ શુક્લાની અંગત મિત્ર શહેનાઝ ગિલ તેના નિધન બાદ ભાંગી પડી હતી. શહેનાઝ ગિલે જાહેરમાં આવવાનું બંધ કરી દીધું હતું અને સોશિયલ મીડિયાથી પણ દૂર હતી. કેટલાક ઘા એવા હોય છે જે સમયની સાથે પણ રૂઝાતા અને આપણે તેની સાથે જ જીવતા શીખી જવું પડે છે. શહેનાઝ ગિલ માટે પણ સિદ્ધાર્થનું નિધન આવો જ ઘા છે જે ક્યારેય નહીં રૂઝાય. જોકે, સિદ્ધાર્થને યાદ રાખવાની અને તેને શ્રદ્ધાંજલિ આપવાની શહેનાઝે પોતાની જ રીત શોધી કાઢી છે. શહેનાઝ ગિલ એક્ટ્રેસ હોવાની સાથે સારી સિંગર પણ છે ત્યારે તેણે સિદ્ધાર્થને મ્યૂઝિકલ ટ્રીબ્યૂટ આપી છે. સિદ્ધાર્થ શુક્લાના મોત બાદ શહેનાઝ ગિલ પહેલીવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ છે. શહેનાઝે સિદ્ધાર્થ શુક્લા માટે ગીત રેકોર્ડ કર્યું છે અને આને જ લગતી પોસ્ટ તેણે સોશિયલ મીડિયા પર મૂકી છે. શહેનાઝે પોસ્ટર શેર કરતાં લખ્યું, “તું મારો છે અને શહેનાઝે સિદ્ધાર્થ માટે રેકોર્ડ કરેલા ગીતનું નામ ’તૂ યહીં હૈ’ છે. પોસ્ટરમાં સિદ્ધાર્થ અને શહેનાઝના યાદગાર સુખદ દિવસોની તસવીર લેવામાં આવી છે, જેમાં બંને ખુલ્લા દિલે હસતા જોવા મળી રહ્યા છે. શહેનાઝનું આ ગીત શુક્રવારે બપોરે ૧૨ વાગ્યે રિલીઝ થવાનું છે. શહેનાઝની આ પોસ્ટ પર ફેન્સ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. અને સિડનાઝની જોડીને યાદ કરી રહ્યા છે. સિદ્ધાર્થ માટે શહેનાઝની ટ્રીબ્યૂટ જોઈને ફેન્સ ભાવુક થયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, શહેનાઝ ખૂબ પીડામાંથી પસાર થઈ છે. શહેનાઝ તેના ફ્રેન્ડ સિદ્ધાર્થને એવી શ્રદ્ધાંજલિ આપવા માગતી હતી જે કાયમ બધાના માનસપટ પર અંકિત રહે. પોતાની લાગણીઓને વ્યક્ત કરવા માટે ગીત રેકોર્ડ કરવાથી સારો વિકલ્પ કયો હોઈ શકે? ’તૂ યહીં હૈ’ ટાઈટલ સાથેનું ગીત શહેનાઝે રેકોર્ડ કર્યું છે. તેણે આ માટે વિડીયોનું પણ શૂટિંગ કર્યું છે. આ વિડીયોમાં સિદ્ધાર્થ અને શહેનાઝ ’બિગ બોસ ૧૩’માં હતા એ વખતની થોડી ક્લિપ્સ પણ હોઈ શકે છે. જણાવી દઈએ કે, સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની પહેલી મુલાકાત ’બિગ બોસ ૧૩’ના ઘરમાં જ થઈ હતી. અહીં બંને વચ્ચે પાક્કી મિત્રતા બંધાઈ હતી. તેમની મિત્રતા એટલી ગાઢ હતી કે ઘણીવાર તેઓ કપલ હોવાની ચર્ચા ઉઠી હતી. જોકે, બંનેએ હંમેશા આ વાત નકારી હતી. ૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ હાર્ટ અટેક આવતાં ૪૦ વર્ષની વયે સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું હતું.

Previous articleભાવનગરની મંદબુદ્ધિ શાળાના બાળકોએ વિવિધ વસ્તુઓ તૈયારી કરી, દેશ ઉપરાંત વિદેશમાં પણ વસ્તુઓની ડીમાન્ડ
Next articleધોની અને વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ભૂમિકાને લઇને હવે ગંભીરતા પૂર્વક વિચાર શરુ કર્યો