બે વર્ષ પુર્વે ભાવનગરમાં મહિલાને સળગાવી હત્યા કરવાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી

126

ડીસ્ટ્રીક્ટ જજ આર.ટી.વચ્છાણીએ સરકારી વકીલ દેવમુરારીની દલીલો ગ્રાહ્ય રાખી
બે વર્ષ પુર્વે ભાવનગર શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં મહિલાને શારીરીક માનસીક ત્રાસ આપી સળગાવી દેવાના ગુનામાં ચાર આરોપી સામે ડીસ્ટ્રીક્ટ કોર્ટે ગુનો સાબીત માની આજીવન કેદની સજા ફટકારી હતી. આ કામનાં ફરિયાદી યુસુબ બાબુભાઈ પરમારની બાજુમાં તેમની માલીકીનો ખુલ્લો પ્લોટ હોય, જે પ્લોટની માલીકી તેઓની હોવા છતા આ કામના આરોપી નીતુબેન મહેશભાઈ રાઠોડ તથા મનુભાઈ હરીદાસ રાઠોડ સહીતનાઓ સામે ફરિયાદીનો પ્લોટ પડાવી લેવા ફરિયાદી તથા સાહેદો તથા મરણ જનાર સુનીતાબેન યુસુબભાઈ પરમારને છેલ્લા ત્રણેક વર્ષથી માનસીક ત્રાસ આપતા હોય અને અવારનવાર પોલીસમાં ખોટી અરજીઓ કરી હેરાન કરતા હોય તેઓના માનસીક ત્રાસના કારણે આ કામે મરણ જનારને મરવા મજબુર કરતા જાતેથી કેરોસીન છાંટી સળગી જઈ સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય જેથી આ કામે આરોપીઅઓ (1) મનુ હરીદાસ રાઠોડ (2) વીજેન્દ્ર ઉર્ફે કુરીયો મનુભાઈ રાઠોડ, (3) મહેશ મનુભાઈ રાઠોડ, (4) રોમેશ રણુભાઈ પરમાર (ચારેય રહે આડોડીયાવાસ, ભાવનગર)નાઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હતો. ઉક્ત બનાવ તા.09-06-19ના રોજ બન્યો હતો. જે અંગે ફરીયાદી યુસુબભાઈ બાબુભાઈ પરમારે ઉક્ત આરોપીઓ સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જે-તે સમયે ઉક્ત આરોપીઓ સામે આઈ.પી.સી. 306, 114 સહીતનો ગુન્હો નોંધ્યો હતો. આ બનાવમાં મરણ જનાર સુનીતાબેને પણ ફરિયાદ આપી હતી અને હોસ્પીટલમાં સારવાર દરમ્યાન ડાઇંગ ડેકલેરેશન (મરણોન્મુખ નિવેદન) માં ઉક્ત આરોપીઓએ તેણીને કેરોસીન છાંટીને સળગાવી દીધેલાનું જણાવ્યું હતું. ત્યારબાદ સારવાર દરમ્યાન સુનીતાબેનનું મોત નીપજ્યું હતું.
આ અંગેનો કેસ ભાવનગરના પ્રીન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્જ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો, આધાર, પુરાવા વિગેરે ધ્યાને રાખી મુખ્ય આરોપીઓ (1) મનુ હરીદાસ રાઠોડ (2) વીજેન્દ્ર ઉર્ફે કુરીયો મનુભાઈ રાઠોડ, (3) મહેશ મનુભાઈ રાઠોડ, (4) રોમેશ રણુભાઈ પરમારનાઓની સામે ઈ.પી.કો. કલમ-૩૦૨ મુજબનો શિક્ષાપાત્ર ગુનો સાબીત માની તમામ આરોપીઓને આજીવન કેદની સજા અને દરેક આરોપીઓને રૂા.15 હજારનો રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો.

Previous articleફેસબુકને હવે Metaથી ઓળખવામાં આવશે
Next articleદિવાળી પર્વ નિમિત્તે તા. 4 અને 11 નવેમ્બરના રોજ ભાવનગર અને બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે