ભાવનગરથી રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના, રાષ્ટ્રપતિએ ચિત્રકુટધામ આશ્રમમાં શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ભાવવંદના કરી

9

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બે દિવસ દરમિયાન લોકાર્પણ સહિત અનેક કાર્યકમોમાં હાજરી આપી
રાષ્ટ્રપતિ ભાવનગરની બે દિવસની મુલાકાતે આવ્યાં હતા. ત્યારે રાષ્ટ્રપતિની આ મુલાકાત દરમિયાન સૌપ્રથમ ભાવનગર જિલ્લાના મહુવા ખાતે તલગાજરડા સ્થિત પ્રસિદ્ધ રામાયણી મોરારીબાપુના આશ્રમ ચિત્રકુટધામની મુલાકાત લીધી હતી. તેઓ મોરારી બાપુ સાથે સમગ્ર આશ્રમ પરિસરની મુલાકાત લઇ અભિભૂત થયાં હતાં. રાષ્ટ્રપતિ સાથે તેમની આ મુલાકાતમાં તેમના ધર્મપત્ની સવિતા કોવિંદ પણ જોડાયાં હતાં. રાષ્ટ્રપતિએ આશ્રમમાં શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ભાવવંદના કરી હતી. તેમણે સમગ્ર આશ્રમ પરિસરની મુલાકાત લઈ મોરારીબાપુ સાથે આધ્યાત્મિક સંવાદ કર્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાવનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત રૂપિયા 58.83 કરોડના ખર્ચે નવનિર્મિત 1088 – ઈ.ડબલ્યુ.એસ -1 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં જુદાં – જુદાં નવ સ્થળો પર આવાસોના બાંધકામ કરવામાં આવ્યાં છે. અગાઉ આ યોજના પૈકીના છ સ્થળો પર કુલ – 804 આવાસોનાં લોકાર્પણ કરી લાભાર્થીઓને આવાસોનાં કબ્જા ફાળવણી કરવામાં આવી છે અને પ્રથમ પાંચ લાભાર્થીઓ પ્રતીકરૂપે ચાવી અર્પણ કરવામાં આવી હતી.

ભાવનગર એરપોર્ટ ખાતેથી રાષ્ટ્રપતિને વિદાય આપવાં માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, મેયર કીર્તિબાળા દાણીધારીયા, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, કલેક્ટર યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર ઉપસ્થિત રહ્યાં હતાં. રાષ્ટ્રપતિ આજે સવારે ભારતીય વાયુદળના વિશેષ વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતેથી દિલ્હી રવાના થયાં હતાં.