બે વર્ષ પૂર્વે ફરિયાદકા રોડ પર યુવાન ઉપર ફાયરીંગ કરી જીવલેણ હુમલો કરનાર શખ્સને 10 વર્ષની કેદની સજા ફટકારતી કોર્ટ

5

આર.ટી.વચ્છાણીએ સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો ગ્રાહ રાખી આરોપીને સજા ફટકારી
બે વર્ષ પૂર્વે ફરિયાદકા રોડ ઉપર યુવાન ઉપર બે શખ્સોએ ફાચરીંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગેનો કેસ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા અદાલતે એક આરોપી સામે ગુનો સાબીત માની 10 વર્ષની કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો, જ્યારે અન્ય એક આરોપી હજુ ભાગતો ફરતો હોઈ, તેની સામે કેસ ચલાવવાનો બાકી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ આ કામનાં ફરિયાદી ઉદેસંગભાઈ રામસંગભાઈ મોરીનો દિકરો ઈજા પામનાર સુર્યપ્રતાપ ઉર્ફે પ્રતાપ ઉદેસંગભાઈ મોરી ફરીયાદીની બ્રેજા ફોરવ્હીલ કાર નં. જી.જે.04.સી.આર,4696 લઈને સાહેદ નનાભાઈ ઉર્ફે લક્ષ્મણભાઈ પઢારીયાને ફરીયાદીની હોટલ વરતેજ ઈન્કમટેક્ષ ક્વાર્ટસની બાજુમાં આવેલ સાંઈકૃપા હોટલથી ફરિયાદકા ગામે તેના ઘરે મુકવા જતો હતો. તે સમયે ફરિયાદકા ગામના પાદરે આ કામનાં આરોપીઓ (1) યુવરાજ જુવાનસિંહ ગોહિલ (2) ઘુઘુભા ઉર્ફે પ્રવીણ બચુભા ગોહિલ સદર બંને શખ્સો મોટર સાયકલ લઈને આવી ફોર-વ્હીલર સામે નાખી ઈજા પામનારની સાથે બોલાચાલી અને ઝઘડો કરતા આરોપીઓ સાહેદ નનાભાઈ ઉર્ફે લક્ષ્મણભાઈના ઓળખીતા હોઈ તે સમયે આરોપીઓ જતા રહેલા અને ઈજા પામનાર સુર્યપ્રતાપ ઉર્ફે પ્રતાપ સાહેદ નનાભાઈ ઉર્ફે લક્ષ્મણભાઈને તેમનાં ઘરે મૂકીને પરત એકલો ફોર વ્હીલર કારમાં આવતો હતો, ત્યારે ફરિયાદકા રોડ ઉપર પહોંચતા આરોપીઓએ ફરી વખત ઈજા પામનારને ઉભો રખાવી આરોપી યુવરાજ ગોહિલે ઈજા પામનાર ઉપર મોત નીપજાવવાના ઈરાદાથી પ્રથમ ત્રણ ફાયરીંગ કરતા ઈજા પામનારને ડાબા હાથ ઉપર તથા છાતીના ભાગે અને વાસામાં કમરનાં ભાગે ગંભીર ઈજા કરી હતી. બાદમાં આરોપી ઘુઘુભા ગોહિલે બે ફાયરીંગ ઈજા પામનાર ઉપર ફરી ગેરકાયદેસર રીતે પ્રતિબંધીત શસ્ત્ર પોતાની પાસે રાખી તેનો ઉપયોગ કર્યાની જે-તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે ફરીયાદી ઉદેસંગભાઈ મોરીએ વરતેજ પોલીસ મથકમાં ઉક્ત બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ-307, 34, જી.પી.એક્ટ 135, આર્મ્સ એક્ટ 25(1)(એએ), 25((1-બી)એ, 25(1) (1-બી)(બી), 20(2) મુજબનો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજે શનિવારના રોજ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપી યુવરાજ જુવાનસિંહ ગોહિલ સામે ઈ.પી.કો. કલમ-307 મુજબનો શિક્ષાપાત્ર ગુનામાં તક્સીરવાન ઠરાવી 10 વર્ષની સખત કેદ અને રોકડા રૂ. 10 હજારનો દંડ, આર્મ્સ એક્ટ મુજબ દશ વર્ષની સજા અને રોકડા રૂા.10 હજાર નો દંડ તથા અન્ય આર્મ્સ એક્ટની કલમ હેઠળ આરોપીને સાત વર્ષની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. જ્યારે આ કેસનો બીજો આરોપી ઘુઘુભા ઉર્ફે પ્રવીણ બચુભા હજુ નાસતો ફરતો હોઈ તેની સામે કેસ ચલાવવાનો બાકી હોવાનું જાણવા મળ્યું હતું.