મોદી પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નહીં : રાજનાથસિંહ

2

ડિલિવરિંગ ડેમોક્રસીઃ રિવ્યુઈંગ ટૂ ડિકેડ ઓફ નરેન્દ્ર મોદી પર યોજાયેલા સંમેલનમાં રાજનાથ મોદી પર ઓળઘોળ
નવી દિલ્હી,તા.૩૦
રક્ષા મંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા છે. રાજનાથ સિંહે કહ્યું કે, વડાપ્રધાન ૨૪ કેરેટ ગોલ્ડ છે. નરેન્દ્ર મોદીના રાજકીય સફરને મેનેજમેન્ટ સ્કૂલોમાં પ્રભાવશાળી નેતૃત્વ અને કુશળ શાસન માટે કેસ સ્ટડી તરીકે ભણાવવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાછલા બે દશકની રાજકીય સફર વિષે વાત કરતાં રાજનાથ સિંહે કહ્યું કે, એક સાચા નેતૃત્વની ઓળખ ઈરાદા અને સત્યનિષ્ઠાથી થાય છે. અને આ બન્ને બાબતોમાં વડાપ્રધાન મોદી ૨૪ કેરેટ સોનાના છે. ૨૦ વર્ષ સુધી સરકારના પ્રમુખ હોવા છતાં તેમના પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી.ઉલ્લેખનીય છે કે એક રાષ્ટ્રીય સંમેલનમાં રાજનાથ સિંહે આ તમામ વાતો કરી હતી. આ સંમેલનનુ નામ હતું- ડિલિવરિંગ ડેમોક્રસીઃ રિવ્યુઈંગ ટૂ ડિકેડ ઓફ નરેન્દ્ર મોદી. રાજનાથ સિંહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય વ્યક્તિ નથી. જો આપણે પાછલા બે દશકની તેમની રાજકીય સફર પર નજર કરીએ તો આપણને જાણવા મળશે કે તેમની સામે અનેક પ્રકારના પડકારો આવતા રહ્યા છે. પરંતુ તેમણે જે પ્રકારે તમામ પડકારોનો સામનો કર્યો છે, તેને મેનેજમેન્ટ સ્કૂલોમાં પ્રભાવશાળી નેતૃત્વ અને કુશળ શાસન પર એક કેસ સ્ટડી તરીકે ભણાવવું જોઈએ.
રાજનાથ સિંહે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના નરેન્દ્ર મોદીના કાર્યકાળ વિષે પણ વાત કરી છે. રાજનાથ સિંહે કહ્યું કે, તે ગુજરાતને વિકાસના માર્ગ પર લઈ ગયા અને સમાજના દરેક વર્ગની પ્રગતિ માટે કામ કર્યું. તેમણે સૌનો સાથ, સૌનો વિકાસનો મંત્ર આપ્યો અને પછી વડાપ્રધાન તરીકે તેમાં એક નવા મંત્રનો ઉમેરો કર્યો- સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ.સૌનો સાથ, સૌનો વિકાસ નારો આપીને નરેન્દ્ર ભાઈ મોદીએ ગુજરાતમાં ધર્મનિરપેક્ષતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજનાથ સિંહે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલા વિવિધ સુધારા અને યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો. વિકાસ પ્રત્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા પર ચર્ચા કરતાં તેમણે કહ્યું હશે કે, લાંબા સમય સુધી દેશમાં ઉદ્યોગ અને વેપારને પ્રોત્સાહન આપવામાં નહોતુ આવતુ. માનવામાં આવતુ હતું કે જો તમે વેપાર અથવા ઉદ્યોગ સાથે છો તો તમારી સામાજિક પ્રતિબદ્ધતા નબળી છે. આ ભ્રમને નરેન્દ્ર મોદીએ પડકાર્યો છે. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં ઉદ્યોગ અને ઉદ્યોગપતિઓની ઓળખ કરી અને તેમનું સન્માન કર્યું.રાજનાથ સિંહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અદ્ભુત નિર્ણ લેવાની ક્ષમતા અને કલ્પના શક્તિને કારણે હું સૌથી વધારે પ્રભાવિત થયો છું.