ભાવનગરમાં બે વર્ષ પૂર્વે પરણિતાને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પતિને અદાલતે 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી, સાસુનો નિર્દોષ છુટકારો

6

અદાલતમાં સગા દિકરાએ પિતાની વિરૂદ્ધમાં જુબાની આપી હતી
ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતી પરિણિતાને બે વર્ષ પૂર્વે આત્મહત્યા કરવા મજબુર કરવા બાબતે પતિ અને સાસુ વિરૂદ્ધમાં મરણજનારના પિતાએ ફરીયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ભાવનગરની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા અદાલતે સરકારી વિકલની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, તેમજ સગા દિકરાએ તેના પિતાની વિરૂદ્ધમાં અદાલતમાં આપેલી જુબાની વગેરે બાબતો ધ્યાને લઇ અદાલતે મુખ્ય આરોપી પતિને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડની સજા ફટકારી હતી. જ્યારે આ બનાવમાં સાસુને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરિયાદી ભગવતસિંહ નાગભા વાઘેલા (ઉ.વ.57)ની દિકરી પ્રેક્ષાબા ઉ.વ.36ને આરોપી ચંદ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા જે મરણજનારના પતિ થાય તથા આરોપી કિરણબા ઉર્ફે કંચનબા નરેન્દ્રસિંહ શિવુભા જાડેજા વાળાઓ શારરિક તથા માનસિક ત્રાસ આપી અવાર-નવાર મારકુટ કરતા હતા.તેમજ ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરતા જેથી બન્નેના ત્રાસના કારણે પેક્ષાબાએ કંટાળી આત્મહત્યા કરી લીધી હતી. બન્નેના ત્રાસના કારણે પેક્ષાબાએ પરાણે આરોપીઓના ઘરે ગત તારીખ 23/4/2019 ના રોજ પોતાની જાતેથી ગળેફાંસો ખાઇ જતાં તેણીનું મોત નિપજ્યુ હતું. ઉક્ત બનાવ અંગે મરણજનારના પિતા ભગવતસિંહ નાગભા વાઘેલાએ જે તે સમયે ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ મથકમાં ઉક્ત આરોપીઓ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે બંન્ને આરોપીઓ સામે IPC કલમ 306, 114 મુજબનો ગુનો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકિલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો દસ્તાવેજી પુરાવા-25, મૌખીક પુરાવા-10, તેમજ આરોપીના સગા દિકરાએ પિતા વિરૂદ્ધ અત્રેની કોર્ટમાં જુબાની આપી હતી.
તે તમામ બાબતો ધ્યાને લઇ અદાલતે મુખ્ય આરોપી ચંદ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા સામે IPC કલમ 306 મુજબના સીક્ષાપાત્ર ગુનામાં આરોપીને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. તેમજ અદાલતે રોકડ રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે અન્ય આરોપી કિરણબા ઉર્ફે કંચનબા નરેન્દ્રસિંહ શિવુભા જાડેજાને શંકાનો લાભ આપી અદાલતે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.