સુપ્રસિદ્ધ તીર્થ કુંડળધામ ખાતે ૩૦મી શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિરનું ઉદ્ધઘાટન ભવ્યતા પૂર્વક કરાયું

115

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પોતાના પરિવાર સાથે કુંડળધામ શ્રીસ્વામિનારાયણ મંદિરમાં પધાર્યા : ગૃહમંત્રી અનેક કાર્યક્રમોમાં શામિલ થયા,કાઠિયાવાડી પાઘ બાંધીને પૂજ્ય સંતોએ સ્વાગત કર્યું
બોટાદ જીલ્લાના કુંડળધામ ખાતે પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી સંતસરોવરમાં ૩૬ ફુટની ભક્તેશ્વર મહાદેવજી અને સંતસરોવરમાં શ્રી નીલકંઠવર્ણી ની મૂર્તિનું સ્થાપન-પૂજન કરવામાં આવ્યું હતું. જેનું અનાવરણ કેન્દ્રીય ગૃહમંત્રીઅમિતભાઇ શાહ તથા પૂ.ઈશ્વરચરણદાસજી સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું. અમિતભાઈએ કુંડળધામ સ્વામિનારાયણ મંદીરમાં ભાવથી ભગવાનના દર્શન કરી જેના દર્શનથી રામેશ્વર મહાદેવજીના દર્શનનું ફળ મળે છે તે કુંડલેશ્વર મહાદેવનું અભિષેક પૂજન કર્યું હતું. ત્યારબાદ એમણે મંદિર સંકુલનું અવલોકન કર્યું.

કુંડળધામના પુરાતની દરબારગઢમાં જૂની ગુજરાતી સંસ્કૃતિ અને લોકજીવનની ઝાંખી જોઈને મંદિરના કાર્યને બિરદાવ્યું હતું.કુંડળધામ ખાતે ૩૦મી શ્રીસ્વામિનારાયણ સત્સંગ શિબિરનું અયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્‌ઘાટન તા.૧/૧૧/૨૦૨૧ના રોજ પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી તથા અમિતભાઈ શાહના હસ્તે થયું. આ પ્રસંગે શિબિરના પ્રણેતા પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ જણાવ્યું કે આ શિબિરમાં હજારો યુવાનોને સુસંસ્કારી, ગૌરવાન્વિત અને પ્રામાણિક બનાવવાની શિક્ષા આપવામાં આવે છે. આ પ્રસંગે શહેરી વિકાસ મંત્રી વિનુભાઈ મોરડીયાએ બોટાદ જિલ્લાના પ્રભારી તરીકે અમિતભાઈને આવકાર્યા હતા આ અવસર પર વિશ્વપ્રસિદ્ધ બોલીવુડ સિંગર દલેર મહેંદી પણ કુંડળધામમાં પધાર્યા હતા. દલેર મહેંદીએ એમની આગવી શૈલીમાં ભજન ગાઈને લોકોના દિલો જીતી લીધા. દલેર મહેંદીજીને કુંડલધામ તરફથી ગાય ભેટ આપવામાં આવી અને ગૃહમંત્રી ના હસ્તે સન્માનવામાં આવ્યા.કાર્યક્રમમાં પ્રસિદ્ધ સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવર સિંહજી જાદવનું સાહિત્યમાં યોગદાન માટે અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનું કોરોના કાળમાં કરેલા લોકોપકારક કાર્યો માટે માનનીય ગૃહમંત્રી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું. ભાવનગરના શિશુવિહાર ટ્રષ્ટને કુંડળધામ તરફથી પાંચ લાખનો ચેક અમિતભાઇના હસ્તે અર્પણ કરાયો. પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ આ અવસરે અમિતભાઇને આવકારતા એમના કર્યોની પ્રશંસા કરતા રક્ષાસૂત્ર બાંધીને આશીર્વાદ પાઠવ્યા કે ભગવાન અમિતભાઇની સાથે રહીને દેશનું ઉત્કર્ષ કરતા રહે. પૂ. સ્વામીએ અમિતભાઇનું સન્માન કર્યું અને ભગવાનની મૂર્તિ ભેટ આપી. સાથે કુંડળધામ સંસ્થા વતી ગૃહમંત્રી કલ્યાણ ફંડમાં ૧૧ લાખનો ચેક પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે અમિતભાઈ શાહને અર્પણ કરાયો હતો..

Previous articleભાવનગરમાં બે વર્ષ પૂર્વે પરણિતાને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પતિને અદાલતે 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી, સાસુનો નિર્દોષ છુટકારો
Next articleબજારોમાં ઉત્સવોનો આનંદ કે આફતને આમંત્રણ ?