મોદીની રેલીમાં બ્લાસ્ટ કેસમાં ૪ દોષિતોને ફાંસીની સજા ફટકારાઈ

4

૨૦૧૩ના હુંકાર રેલી બ્લાસ કેસમાં ચુકાદો : એનઆઈએ કોર્ટે ગાંધી મેદાન સિરિયલ બ્લાસ્ટ કેસમાં ૨ દોષિતોને આજીવન કેદ અને ૨ દોષિતોને ૧૦ વર્ષની, એક દોષિતને ૭વર્ષની કેદની સજા સંભળાવી
નવી દિલ્હી, તા.૧
પટનામાં નરેન્દ્ર મોદીની ૨૦૧૩ના હુંકાર રેલી સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે સજાની જાહેરાત કરવામાં આવી છે. પટનાની એનઆઈએ કોર્ટે ગાંધી મેદાન સિરિયલ બ્લાસ્ટ કેસમાં ૪ દોષિતોને ફાંસીની સજા, ૨ દોષિતોને આજીવન કેદ અને ૨ દોષિતોને ૧૦ વર્ષની, એક દોષિતને ૭વર્ષની કેદની સજા સંભળાવી છે. ૨૭ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હુંકાર રેલી પહેલા ગાંધી મેદાન અને જંકશનમાં બનેલી ઘટનામાં છ લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેમજ ૮૫ જેટલા લોકો ઘાયલ થયા હતા. જેલમાં બંધ દસ આરોપીઓને ગયા મહિનાની ૨૭મી તારીખે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. એનઆઈએ કોર્ટે ઉમર સિદ્દીકી, અહેમદ હુસૈન, અઝહરુદ્દીન કુરેશી, હૈદર અલી, ઈમ્તિયાઝ અંસારી, મોજીબુલ્લાહ અંસારી, ફિરોઝ અહેમદ અને નુમાન અંસારીને આઈપીસી એક્ટની વિવિધ કલમો, એક્સપ્લોઝિવ એક્ટની વિવિધ કલમો, યુએ (પી) એક્ટ અને રેલવે એક્ટની વિભિન્ન કલમો હેઠળ દોષિત ઠેરવ્યા છે. ૨૦૧૪માં તમામ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થયા બાદ અત્યાર સુધીમાં ૧૮૭ લોકોની કોર્ટમાં જુબાની આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ગાંધી મેદાન સીરિયલ બ્લાસ્ટ મામલામાં ૨૭ ઓક્ટોબર, ૨૦૧૩ના પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૧ ઓક્ટોબર. ૨૦૧૩ના એનઆઈએએ કેસ સંભાળ્યો અને એક નવેમ્બરે દિલ્હીમાં એનઆઈએ સ્ટેશનમાં તેની ફરીથી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેમાં સગીર સહિત ૧૨ લોકો વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યું હતું. તેમાં એકનું મોત સારવાર દરમિયાન થયું હતું. તો જુવેનાઇલ બોર્ડ દ્વારા સગીર આરોપીને પહેલા ત્રણ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી ચુકી છે. આ મામલામાં વકીલ લલન પ્રસાદ સિન્હાએ કહ્યુ કે, દસ આરોપીઓમાંથી ૯ દોષી સાબિત થયા, એક આરોપીને શંકાના આધાર પર છોડી દેવામાં આવ્યો. છ વ્યક્તિ ૩૦૨/૧૨૦ હેઠળ દોષી સાબિત થયા છે અને બાકી સેક્શનની અંદર દોષી છે. તેમાં એનઆઈએએ ખુબ સારૂ કામ કર્યું છે. તેણે સાઇન્ટિફિક પૂરાવાના આધાર પર બધાને દોષી ઠેરવ્યા છે. એક નવેમ્બરે સજા સંભળાવવામાં આવશે. આ મામલાનું ષડયંત્ર છત્તીસગઢ (રાયપુર) માં ઘડાયું હતું. સામાન ઝારખંડથી લેવામાં આવ્યો અને પછી પટનામાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ મામલામાં આરોપી પાંચ આતંકીઓને પહેલા જ અન્ય કેસમાં આજીવન કેદની સજા ફકરાવવામાં આવી છે. તેમાં ઉમર સિદ્દિકી, અઝહરુદ્દીન, અહમદ હુસૈન, ફકરુદ્દીન, ફિરોઝ આલમ ઉર્ફ પપ્પૂ, નુમાન અંસારી, ઇફ્તિખાર આલમ, હૈદર અલી ઉર્ર અબ્દુલ્લા ઉર્ફે બ્લેક બ્યૂટી, મો. મોઝીબુલ્લાહ અંસારી તથા ઇમ્પિયાઝ અંસારી ઉર્ફે આલમ સામેલ છે. તેમાંથી ઇમ્તિયાઝ, ઉમેર, અઝહર, મોજિબુલ્લાહ અને હૈદરની બોધગયા સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં આજીવન કેદની સજા આપવામાં આવી છે. મહત્વનું છે કે પટનામાં નરેન્દ્ર મોદીની હુંકાર રેલી હતી. તે સમયે નરેન્દ્ર મોદી ભાજપ અને એનડીએ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હતા. આ રેલી સિવાય એક ધમાકો પટના જંક્શન પ્લેટફોર્મ નંબર ૧૦ પર પણ થયો હતો. છ લોકોના મોત થયા જ્યારે ૮૦થી વધુ લોકોને ઈજા થઈ હતી.