દિવાળી પહેલા કમર્શિયલ LPG સિલિન્ડરમાં ૨૬૬ રૂપિયાનો વધારો

4

ગેસના ભાવ વધતાં હોટલ-રેસ્ટોરંટમાં જમવાનું મોંઘું થઈ જશે : રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગમાં લેવાતા સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી, દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૨૦૦૦.૫૦ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા.૧
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી આમ આદમી પહેલાથી જ પરેશાન છે ત્યારે હવે કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૨૬૬ રૂપિયાનો વધારો થયો છે. જે બાદ દિલ્હીમાં ૧૯.૨ કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૨૦૦૦.૫૦ રૂપિયા થઈ ગયો છે. જોકે રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગમાં લેવાતા સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ પહેલા ૧ ઓક્ટોબરના રોજ ૧૯ કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં ૧૯.૨ કિલોગ્રામ સિલિન્ડરની કિંમત ૧૭૩૪.૫૦ રૂપિયા હતી. જે ચાલુ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૧ નવેમ્બરે ૨૬૪ રૂપિયા વધી ગઈ છે. ઈન્ડિયન ઓયલની વેબસાઇટ મુજબ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૨૦૦૦.૫૦ રૂપિયા, કોલકાતમાં ૨૦૭૩.૫૦, મુંબઈમાં ૧૯૫૦ રૂપિયા અને લખનઉમાં ૨૦૯૩ રૂપિયા થઈ ગયો છે. ગેસના ભાવ વધતાં હોટલ-રેસ્ટોરંટમાં જમવાનું મોંઘું થઈ જશે. શાકભાજીના ભાવ, તેલના આસમાને આંબેલા ભાવના કારણે હોટલ ઈન્ડસ્ટ્રી પહેલાથી જ પરેશાન છે.