આજથી હીરા ઉદ્યોગમાં ૨૦ દિવસનું દિવાળી વેકેશન

117

હાલમાં હીરાબજારમાં તેજી રહેતા તમામની દિવાળી સુધરી
ભાવનગર શહેર-જિલ્લામાં આવેલા હીરા ઉદ્યોગમાં આજથી ૨૦ દિવસનું વેકેશન પડી જશે. ચાલુ વર્ષે હીરા માર્કેટમાં તેજી રહેતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોની દિવાળી આ વર્ષે સુધરી છે. ભાવનગરના ડાયમંડ ઉદ્યોગ પર કોરોનાની મહામારીમાં મંદીના ઘેરા વાદળો છવાયા હતા. ગત વર્ષે કોરોનાને કારણે હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થતા આ વ્યવસાયને બેઠો થવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી ચિંતા હતી. તેમાં પણ કોરોનાની બીજી લહેરે ચિંતા વધારી હતી. પરંતુ ત્યારબાદ વિશ્વ બજારમાં હીરાની ઉભી થયેલી માંગને કારણે છેલ્લા ચાર-પાંચ માસથી હીરા ઉદ્યોગે ફરી તેની ચમક પાછી મેળવી હતી. સાતમ-આઠમના તહેવારોમાં તેજી રહ્યા બાદ દિવાળી પણ સુધરી છે. દિવાળીને લઈ હીરાના કારખાનામાં રાબેતા મુજબથી વધુ કલાક કામ ચાલ્યા હતા. હવે દીપોત્સવી પર્વ શરૂ થઈ ગયો છે, ત્યારે આજે તા.૨ને મંગળવારથી હીરાના કારખાના, ઓફિસોમાં દિવાળીનું વેકેશન જાહેર કરી દેવાયું છે. કેટલીક ઓફિસમાં તો રવિવારથી જ વેકેશન પાડી દેવામાં આવ્યું છે. આ અંગે ડાયમંડ એસો.ના વિઠ્ઠલભાઈ મેંદપરાએ જણાવ્યું હતું કે, આ વર્ષે તેજીના કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોની દિવાળી સારી રહી છે. હવે ડાયમંડ માર્કેટમાં ૨૦ દિવસનું વેકેશન પાડી ગયું છે.

Previous article“આઝાદી કા અમૃત્ત મહોત્સવ” અંતર્ગત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ ૨૦૨૧ યોજાયો
Next articleપી.એમ.સ્કૂલ ખાતે ત્રી દિવસીય પ્રવૃત્તિઓમાં મેયરની ઉપસ્થિતીમાં સમાપન સમારોહ યોજાયો