શિહોર તાલુકા હેલ્થ કચેરી દ્વારા મચ્છર જન્ય રોગચાળો અટકાવવા ઝુંબેશરૂપે કામગીરી

129

દર રવિવારે ૧૦ વાગ્યે ૧૦ મિનિટ સફાઇ માટે ફાળવીને મચ્છર ઉત્પત્તિ અટકાવીને ડેંગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયા જેવો મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે ભાવનગર જીલ્લા આરોગ્ય તંત્ર કટિબદ્ધ છે. ચોમાસાની સિઝન દરમ્યાન ખાસ મચ્છરજન્ય રોગચાળો અને દુષિત પાણીના રોગચાળામાં વધારો થતો હોય છે. ચાલુ વર્ષે પણ ભાવનગર જીલ્લામાં મચ્છર ઉત્પત્તિ વધતાં ડેંગ્યુ, મેલેરીયાએ વધુ દેખા દીધા છે. તેને અટકાવવા માટે આરોગ્ય તંત્ર સતત અને સધન કામગીરી કરી રહ્યું છે. આ કામગીરીમાં લોક સહયોગ મળે તો સોનામાં સુગંધ ભળે. આરોગ્ય તંત્ર કામ કરીને લોકો જાગૃતિ દાખવીને દરેક ઘેર ધ્યાન રાખવામાં આવે તો ચોકકસ આપણે રોગચાળો અટકાવી શકતા હોઇએ છીએ. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવિયાડ અને જીલ્લા લાયઝન અધિકારીશ્રી સરોજબેન ઝાલા, જયેશભાઇ શેઠ, બી.કે.ગોહિલ, ભૂપતભાઇ સોંડાગરના માર્ગદર્શન હેઠળ જીલ્લાભરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન સેન્ટરોમાં એબેટ,ફોગીંગ, આરોગ્ય શિક્ષણ દ્વારા મચ્છર ઉત્પત્તિ અટકાયતના પગલા લેવામાં આવી રહ્યા છે. તે અન્વયે શિહોર તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વાકાની,તાલુકા સુપરવાઇઝરશ્રી અનિલભાઇ પંડિત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સુપરવાઇઝરો સર્વશ્રી મીતેશભાઇ ગૌસ્વામી, વિક્રમભાઇ પરમાર, રામદેવસિંહ ચુડાસમા, રાહુલભાઇ રમણા, રાજદિપસિંહ ગોહિલ, સુપરવીઝન માં પ્રા.આ.કેન્દ્ર સણોસરા, સોનગઢ, ઉસરડ, ટાણા, મઢડા, તથા અર્બન સેન્ટરના સાજણભાઇ હાડગરડા, દિપકભાઇ નાથાણી સહિતની આરોગ્ય ટીમો દ્વારા સતત પોરાનાશક કામગીરી કરીને પાણીના દરેક પાત્રો ઢાંકીને રાખવાં સલાહ, પોરાવાળા પાણીને ઢોળાવવું, એબેટ તથા ખાડામાં ટાંકીમાં ગપ્પી મછલી મૂકવી, બળેકું તેલ નાખવું તેમજ પત્રિકા વિતરણ, જૂથચર્ચા-આરોગ્ય શિક્ષણ દ્વારા માહિતી અપાઇ રહી છે.

Previous articleપેરોલ જંપ કરી ફરાર થયેલ હત્યાના આરોપીને ઝડપી લેતી એલસીબી
Next articleજેસલમેરમાં સૈફે લીધી રાઈફલ શૂટિંગની મજા