જવાનો પર દેશને ગર્વ, ત્રાસવાદના ખાતમા માટે કાર્યવાહી થશે : મોદી

7

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીના દિવસે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આવેલાં નૌશેરા સેક્ટરમાં જવાનોને મળવા માટે પહોંચ્યા હતા
જમ્મુ-કશ્મીર, તા.૪
દર વર્ષે પીએમ મોદી સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે. એ સિલસિલાને આગળ ધપાવતા આ વર્ષે આજે દિવાળીના દિવસે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આવેલાં નૌશેરા સેક્ટરમાં જવાનોને મળવા પહોંચ્યા હતા પ્રધાનમંત્રી મોદી. સેનાના જવાનોને મળીને પીએમ મોદીએ તેમની સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુંકે, ભારતીય સેનાએ મારો પરિવાર છે. અને પહેલાંની જેમ જ આતંકવાદને જડબાતોડ જવાબ આપવામાં આવશે. વધુમાં પીએમ મોદીએ જવાનોને સંબોધન કરતા જણાવ્યુંકે, આઝાદી બાદના સમયથી આતંકવાદીઓ નૌશેરા પર નજર જમાવીને બેઠાં છે. અને વારંવાર તેમના બદઈરાદા પાર પાડવા માટે અહીં હિલચાલ કરતા હોય છે. પણ સેનાના જાંબાજ જવાનોએ હંમેશા દુશ્મનોના દાંત ખાટા કર્યાં છે. ભારતીય સેનાના જવાનો પર દેશને ગર્વ છે. આગામી સમયમાં આતંકવાદનો ખાત્મો કરવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ભારત સરકાર પુરી રીતે સેનાની સાથે છે. સેનાનું મનોબળ ઉંચું રાખવા માટે ભારત સરકાર તમામ સ્તરે પ્રયાસો કરતી રહે છે. આ સાથે જ ત્યાંથી પીએમ મોદીએ દેશને એક સંદેશો પાઠવ્યો. જેમાં પીએમ મોદીએ આજની સાંજે સેનાના જવાનોની વીરતાને બિરદાવવા એક દીપ પ્રગટાવવા દેશને અપીલ કરી છે.પીએમ મોદી એવા સમયે જમ્મુ-કાશ્મીરમાં પહોંચ્યા છે જ્યારે પુંછમાં આતંકી પ્રવૃતિઓ વધી ગઈ છે. આ દરમિયાન દિવાળીના દિવસે પીએમ મોદીએ દેશના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છેકે, વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ ૩૭૦ અને કલમ ૩૫એ હટાવવામાં આવી હતી. ત્યારપછી પીએમ દિવાળીની ઉજવણી કરવા રાજૌરી ગયા હતા. પીએમ મોદીએ બ્રિગેડ કાર્યાલયમાં જવાનો સાથે ચા પીધી અને બપોરનું ભોજન પણ કરશે. મોદી અહીં સશસ્ત્ર બળની તૈયારીઓની માહિતી લેશે. તે સાથે જ વડાપ્રધાન જવાનોને સંબોધિત પણ કરે તેવી શક્યતા છે. આ દરમિયાન તેઓ જવાનોનો ઉત્સાહ વધારશે. પીએમ મોદીએ આજે સવારે ટિ્‌વટ કર્યું છે કે, દિવાળીના શુભ અવસરે દેશના લોકોને હાર્દિક શુભેચ્છા. મારી શુભેચ્છા છે કે, આ પ્રકાશ પર્વ તમારા દરેકના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે. દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બીજી બાજુ પીએમઓ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, વડાપ્રધાન જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવાના છે. ૨૦૧૯ પછી પીએમ મોદી આજે બીજી વખત રાજૌરી જઈ રહ્યા છે. બે વર્ષ પહેલાં પણ તેમણે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. પીએમ મોદી દર વર્ષે સેનાના જવાનોની સાથે દિવાળીની ઉજવણી કરે છે. અમુક વર્ષો પહેલાં તેમણે કહ્યું હતું કે, આપણી બોર્ડરો પર તહેનાત જવાનો આપણને સુરક્ષીત રાખે છે અને તેમના કારણે જ આપણે દરેક તહેવાર ઉજવી શકીએ છીએ. દર વર્ષે પીએમ મોદી જવાનોની વચ્ચે પહોંચે છે અને તેમને મિઠાઈ ખવડાવે છે. મોદી જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં પણ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી ચૂક્યા છે અને ત્યાં તહેનાત ભારતીય તિબેટ સીમા પોલીસ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ૨૦૧૭માં તેઓ ગુરેજ સેક્ટર પહોંચ્યા હતા. ૨૦૧૮માં તેઓ ઉત્તરાખંડ પહોંચ્યા હતા.