સરદાર પટેલની પ્રતિમા મેડ ઇન ચાઈના છે : રાહુલ ગાંધી

827

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે બે દિવસીય પ્રવાસ પર પહોંચેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇને ગુજરાત સરકાર અને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ ચિત્રકુટમાં રામપથ ગમન યાત્રા ક્રમમાં રેલીને સંબોધતા કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી મેડ ઇન ચાઈના તરીકે રહેશે. તેમના આ નિવેદનથી ભારે હોબાળો થઇ ગયો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પોતાના મિત્ર અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવા માટે હિન્દુસ્તાન એરોટિક્સ લિમિટેડની જગ્યાએ રિલાયન્સ ડિફેન્સ કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. રાહુલે કહ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને એ વખતે આપવામાં આવ્યો હતો જ્યારે અનિલ અંબાણી પર સરકારી બેંકોની આશરે ૪૫૦૦૦ કરોડનું દેવું છે. તેમણે કહ્યું હતું કે, આડેધડરીતે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. બીજી બાજુ ગુજરાતમાં બની રહેલા સ્ટેચ્યુ ઓફ  યુનિટીને લઇને ગુજરાત અને કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, આ શરમજનક બાબત છે કે, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાનની પ્રતિમાનું નિર્માણ ચીન મારફતે કરાવવામાં આવી રહ્યું છે. મોદી ભલે સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા બનાવી રહ્યા છે પરંતુ અમારા શુઝ અને શર્ટની જેમ જ તે પણ મેડ ઇન ચાઈના રહેશે. સરદાર પટેલની મૂર્તિની પાછળ મેડ ઇન ચાઈના લખેલું છે. ગુજરાતમાં લોકોને નોકરીની વધુ તક મોદી આપે તે પણ જરૂરી છે. બીજી બાજુ રાહુલના નિવેદન બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલ ઉપર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતુંકે, જે લોકો સરદાર પટેલને મળી રહેલા સન્માનથી નાખુશ છે તે લોકો જ આવા નિવેદન કરી રહ્યા છે. રાહુલના નિવેદનને લઇને રાજનીતિ ગરમ થઇ ગઈ છે.

Previous articleત્રણ જગ્યા પર ત્રાસવાદીઓ સામે કાર્યવાહી, એક ફુંકાયો
Next articleમસ્જિદમાં નમાઝ સંદર્ભે ચુકાદો મોટી બેંચને મોકલવાનો ઇનકાર