શિક્ષણમંત્રીની તલવારબાજી

6

ભાવનગરમાં જીતુ વાઘાણીએ બંને હાથમાં તલવાર લઈ કરતબ બતાવ્યા, વતનમાં સન્માન કરવામા આવ્યું
રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી તલવારબાજી કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ભાવનગર જિલ્લાના સિહોર નજીકનું નાના સુરકા ગામ જીતુભાઈનું વતન છે, રવિવારે માદરે વતનમાં તેમનો સન્માન સમારોહ યોજાયો હતો.  આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ બંને હાથમાં તલવાર લઈ કરતબ બતાવ્યા હતા. મંત્રી બન્યા બાદ દિવાળીના તહેવારોમાં વતનમાં પધારેલા શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને તેમના પરિવારનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મંત્રી તેમના વતન નાના સુરકા ખાતે પહોચતા ગ્રામજનોએ પોતાના પનોતા પુત્રને જાજરમાન આવકાર આપી આવકાર્યા હતા. જયારે મંત્રીએ પણ વડીલોના આશીર્વાદ તેમજ સાથીઓએ ભેટી પડ્યા હતા. જયારે બાળાઓ દ્વારા કુમકુમ તિલક સાથે મીઠો આવકાર આપ્યો હતો. પ્રથમ મંત્રીએ મંદિરમાં જઈ મહંતના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ વડીલોએ પાઘડી પહેરી શણગારેલા બળદગાડામાં ગામમાં ફેરવી ભવ્ય આવકાર આપ્યો હતો. જેમાં તેમની સાથે તેમના મોટાભાઈ ગીરીશભાઈ-ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તેમજ સંતો-મહંતો જોડાયા હતા. ગામના પનોતા પુત્રને આવકારવા ગ્રામજનો દ્વારા એક સત્કાર સમારંભ પણ યોજ્યો હતો. જેમાં ઉદ્યોગપતિઓ, જીલ્લાના વરિષ્ઠ અધિકારીઓ તેમજ ગ્રામજનો જોડાયા હતા અને ફૂલહાર-પુષ્પગુચ્છ,મોમેન્ટો, શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું. જયારે મંત્રીએ પણ વતનને પોતાની માં સમાન અને પરિવાર સમાન ગણાવ્યું હતું અને આ સન્માન તેમના ગામનું છે-પરિવારનું છે તેમ જણાવ્યું હતું. તહેવાર અને પ્રસંગોપાત હાથમાં શસ્ત્ર લઈ કરતબ દર્શાવવાની સૌરાષ્ટ્રની સંસ્કૃતિ રહી છે અને પરંપરા ચાલી આવે છે. એ વાત જુદી છે કે, તહેવારોને અનુલક્ષી તંત્ર દ્વારા હથિયારબંધી ફરમાવાતી હોય છે. રવિવારે જીતુભાઇ વાઘાણીનું વતન વાસીઓએ અદકેરું સ્વાગત સન્માન કર્યું હતું. શણગારેલા બળદ ગાડામાં અસલ ગામઠી શૈલીમાં વાઘાણીનું સન્માન કરાયું હતું. આ તકે કોઈ તલવાર લઈ આવતા જીતુભાઈએ બંને હાથમાં સમશેર સમળી કરતબ દેખાડ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શિક્ષણ મંત્રીનું કામ જ્ઞાન,વિદ્યા અને શાસ્ત્રને લગતું છે પરંતુ વર્તમાન સમયે શાસ્ત્ર સાથે શસ્ત્ર પણ જરૂરી છે તેનો ખ્યાલ શિક્ષણ મંત્રીએ જાણે આપ્યો હતો.!