છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૧૨૬ નવા કોરોનાના કેસ સામે આવ્યા

2

દેશમાં ૨૬૬ દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કોરોના કેસ : કોરોનાથી મૃતકોની સંખ્યા ૪ લાખ ૬૧ હજાર ૩૮૯ થઈ
નવી દિલ્હી, તા.૯
દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ જોવા મળી રહ્યો છે. જોકે નવા મામલામાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૧૨૬ નવા મામલા સામે આવ્યા છે, જ્યારે ૩૩૨ લોકોના મોત થયા છે. જે બાદ મૃતકોની સંખ્યા ૪ લાખ ૬૧ હજાર ૩૮૯ થઈ ગઈ છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ ૭૧૨૪ નવા કેસ નોંધાયા છે અને ૨૧ સંક્રમિતોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૯૮૨ સંક્રમિતોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨૬૩ દિવસના નીચલા સ્તર ૧,૪૦,૬૩૮પર પહોંચી છે. રિકવરી રેટ માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે ૯૮.૩૪ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં ૩ કરોડ ૩૭ લાખ ૭૫ હજાર ૮૬ લોકો ઠીક થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં ગઈકાલે ૫૯ લાખ ૮ હજાર ૪૪૦ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જે બાદ અત્યાર સુધીમાં ૧૦૯ કરોડ ૮ લાખ ૧૬ હજાર ૩૫૬ લોકોને વેક્સિનના ડોઝ લાગી ચુક્યા છે. થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકે તેમ જણાવી ડો. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં થનારી ભીડ વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.