પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ

9

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન ખંડ ખાતે જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રભારી મંત્રી જિલ્લામાં પ્રગતિશીલ કાર્યોમાં ગતિશીલતા આણી તેમાં ઝડપ લાવવા અનુરોધ કર્યો હતો. દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી મંત્રીએ દિવાળીના નવલા તહેવારોના લીધે જે કામો અટકેલાં છે તે ઝડપથી શરૂ થાય અને જે કાર્યો પ્રગતિશીલ છે તે ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવા જણાવ્યું હતું. મંત્રીએ જિલ્લામાં રસીકરણ, ખેતી અને તેને આનુષાગિક કાર્યો, મહાનગરપાલિકા ક્ક્‌ષાએ પાણી, ગટર અને સ્વચ્છતાની કામગીરી, જિલ્લામાં સ્વચ્છતા, ગામ આત્મનિર્ભર યાત્રા, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા વગેરે યોજનાઓ વિશે તલસ્પર્શી માહિતી મેળવી ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉપસ્થિત અધિકારીઓને ખોટો લઇ ન જાય અને સાચો રહી ન જાય તેવાં જનહિતલક્ષી અભિગમથી કાર્ય કરવાં અનુરોધ કર્યો હતો. મંત્રીએ કોરોનાને કારણે અટકેલાં કામો ઝડપથી પૂર્ણ કરી જનસુખાકારીમાં વધારો કરવાં માટે ઉપસ્થિત અધિકારીઓનું માર્ગદર્શન કર્યું હતું. કોરોનાથી બચવાનો ઉપાય તકેદારી છે તેમ જણાવી તેમણે કહ્યું કે, કોરોના સામે સંરક્ષિત થવાં વધુને વધુ લોકો રસીકરણ કરાવે તે સમયની માંગ છે. નવા વર્ષના આયોજન હેઠળના મંજૂર કરાયેલા કામોમાં ગ્રામ્ય અને શહેરી વિકાસના કામો તેમજ આરોગ્યને લગતાં સી.એચ.સી. અને પી.એચ.સી. સેન્ટરમાં ઘટતી સુવિધાઓ, શિક્ષણ અને આંગણવાડીના ઓરડા બનાવવાં, પીવાના પાણીની વ્યવસ્થા રસ્તા, સી.સી. રોડ, પેવર બ્લોક, વીજળીના તાર- થાંભલા,જેવાં અન્ય વિકાસના કામોની તેમણે સમીક્ષા હાથ ધરી હતી. મંત્રીએ કામોનું આયોજન હાથ ધરતી વખતે રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચનાઓની પણ અમલવારી થાય તે અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, મેયર કીર્તિબાળા દાણીધારિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, સાંસદ ડો.ભારતીબેન શિયાળ, તળાજાના ધારાસભ્યશ્રી કનુભાઈ બારૈયા, જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, મ્યુનિસિપલ કમિશનર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર, નાયબ વન સંરક્ષક ડો.સંદીપકુમાર, પ્રાંત અધિકારી પુષ્પલત્તા, અધિક નિવાસી કલેકટર બી.જે. પટેલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાનાં વરિષ્ઠ પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.