ભાવનગર જિલ્લાના સિહોર ખાતેથી ’નિરામય અભિયાન’ નો શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રી

359

’નિરામય ગુજરાત’પુસ્તકનું વિમોચન કરતાં શિક્ષણ મંત્રી, ’નિરામય અભિયાન’ દ્વારા નિરોગી ગુજરાતનો ધ્યેય પાર પાડવો છે :- શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
ભાવનગર,તા.૧૨
ભાવનગર જિલ્લાના સિહોર ખાતેથી નિરામય અભિયાનનો શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, નિરામય અભિયાન’ દ્વારા નિરોગી ગુજરાતનો ધ્યેય પાર પાડવો છે. શિક્ષણ મંત્રીએએ વધુમાં જણાવ્યું કે, કોરોનાના કારણે જેટલાં લોકોના મોત થયા છે. તેનાથી વધુ લોકોના મોત બિન ચેપી રોગોના કારણે થાય છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, પાંડુરોગ, કિડની, ડાયાબિટિસ, સ્તન કૅન્સર, હૃદયરોગ વગેરે જેવા બીન ચેપી રોગો વિશેની ગંભીરતાના અભાવને કારણે આરોગ્યનું મોટું જોખમ આવાં રોગ ધરાવતા લોકો પર ઊભું થાય છે.

તેની ગંભીરતા પારખીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પાલનપુર ખાતેથી સમગ્ર રાજ્યમાં નિરામય ગુજરાત અભિયાનની શરૂઆત કરી છે. જેના દ્વારા રોગને અગાઉથી ઓળખીને તેની સારવાર સરળ બનશે. તેમણે વધુમાં કહ્યું કે આવા બિન ચેપી રોગની સારવાર માટે પ્રતિમાસ રૂ.૧૫ હજાર જેટલો ખર્ચ થતો હોય છે. નાણાના અભાવે જે લોકો આવી સારવાર નહોતા જઈ શકતાં, તેઓ હવે સરળતાથી આવા રોગોની સારવાર લઇ શકશે. આ અવસરે શિક્ષણ મંત્રીએ ’નિરામય ગુજરાત” પુસ્તકનું વિમોચન કરતાં જણાવ્યું હતું કે, નિરામય અભિયાન એ રાજ્યના તમામ લોકોની આરોગ્યની ચિંતા કરતું અભિયાન છે. રાજ્યના ૩૦ વર્ષથી વધુની ઉંમરના ત્રણ કરોડ લોકો આ યોજના હેઠળ આવરી લેવામાં આવનાર છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સ્ક્રિનિંગ થી લઇને સારવાર સુધીની સગવડ આપતાં આ અભિયાન દ્વારા લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા આ અગાઉ અનેક સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. તેમાં આ અભિયાન ઐતિહાસિક સાબિત થશે. કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, આપણી જીવનશૈલી બદલાઈ રહી છે. જેના લીધે જે રોગ અગાઉ જોવાં મળતા ન હતાં તે પણ હવે જોવાં મળી રહ્યા છે. આવા રોગોની અગાઉથી ખબર પડે તો તે ઘર કરી જાય તે પહેલાં જ તેને અટકાવી શકાય છે. આવા રોગોની તપાસથી અપેક્ષિત જીવનને પણ વધારી શકાય છે. આ અભિયાન હેઠળ નિષ્ણાંત તબીબો દ્વારા લોકોને સારવાર આપવામાં આવનાર છે. જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતાં. આ અવસરે ટોકન રૂપે પ લોકોને નિરામય કાર્ડ આપવામાં આવ્યાં હતાં. પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડના પ લોકોને ડિજિટલ હેલ્થ આઈ.ડી. આપવામાં આવ્યાં હતાં. ઉપસ્થિત લોકોને નિરોગી રહેવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યાં હતાં.આ કાર્યક્રમમાં સિહોર નગરપાલિકા પ્રમુખશ્રી વિક્રમભાઈ નકુમ, નાયબ નિયમક (ગ્રામ્ય) ડો.એચ.એમ.પટેલ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.એ.કે.તાવીયાડ, પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ, , મામલતદાર સિહોર સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleપ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઇ
Next articleઆનંદનગર રામેશ્વર મહાદેવ મંદિરે અન્નકૂટ ઉત્સવ