ભાવનગરના ચિત્રા વિસ્તારમાં બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત, ચાલકનું મોત, બે યુવકને ગંભીર ઈજા

194

કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ હવામાં ઉછળી રોડપર પટકાતા કારનો બુકડો વળી ગયો
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં કાર ચાલકનું મોત થયું હતું. જયારે બે યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. કાર ડિવાઈડર સાથે અથડાતા કારનો કુરચો બોલી ગયો હતો. તેમજ સ્ટ્રીટ લાઈટના પોલ અને ડિવાઈડરને પણ નુકસાન થયું હતું. આ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશન પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરની જૂની વિઠ્ઠલવાડી વિસ્તારમાં સરકારી શાળા નજીક રહેતા ધ્રુવરાજ હરપાલસિંહ જાડેજા ઉ.વ.21, અજય હરપાલસિંહ જાડેજા, યશપાલ દેવેન્દ્રસિંહ જાડેજા ઉ.વ 25 તથા ધ્રુવરાજ મયુરસિંહ રાઠોડ મારૂતિ સ્વિફ્ટ કાર લઈને ભોજપરા થી ભાવનગર પરત આવી રહ્યા હતા. આ દરમિયાન ઓવરસ્પિડે પરત ઘર તરફ આવી રહ્યાં હતાં તે વેળાએ ચિત્રા મોક્ષમંદિરના નાકા પાસે કાર ચાલક ધ્રુવરાજ હરપાલસિંહ જાડેજાએ કાર પરનો કાબૂ ગુમાવતાં કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતા. કાર સ્ટ્રીટલાઈટ પોલ સાથે ભટકાઈ હવામાં ઉછળી રોડપર પટકાતા કારનો બુકડો વળી ગયો હતો. કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ધ્રુવરાજ હરપાલસિંહ જાડેજાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈ અજયે ધ્રુવરાજ વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.