વાયરસ રૂપ બદલે તો લોકોને વક્સિનના બૂસ્ટર ડોઝની જરૂર પડશે

96

ભારત બાયોટેકના અધ્યક્ષે બૂસ્ટર ડોઝ અંગે મહત્વપૂર્ણ વાત કહી : આપણા દેશની ફક્ત ૩૫ ટકા વસ્તીએ જ રસીના બંને ડોઝ લીધા છે જ્યારે વસ્તીનો એક મોટો ભાગ બાકી છે જેમને વેક્સીન આપવાની જરૂર છે
નવી દિલ્હી, તા.૧૨
કેટલાક દેશોમાં બૂસ્ટર શોટ આપવાની વાત સામે આવ્યા બાદ હવે ભારતમાં પણ કોરોનાના બૂસ્ટર ડોઝની ચર્ચા થવા લાગી છે. કોરોનાના બૂસ્ટર ડોઝને લઈને હજુ પણ ડોક્ટરો અને વૈજ્ઞાનિકો વચ્ચે મતભેદ જોવા મળે છે. શું ભારતમાં હવે બૂસ્ટર ડોઝ આપી શકાય છે આના પર દિલ્હી એઇમ્સના ડોક્ટરે મહત્વની વાત કહી છે. એક ડોક્ટરે કહ્યું કે, હાલ ભારતમાં બૂસ્ટર શોટ આપવાનું જોખમ ન ઉઠાવી શકીએ કેમકે ભારતમાં ફક્ત ૩૫ ટકા લોકોએ જ સંપૂર્ણ રસીકરણ કરાવ્યું છે. દિલ્હી એઇમ્સમાં ન્યુરોલોજી પ્રોફેસર અને ડોક્ટર પા શ્રીવાસ્તવે બૂસ્ટર ડોઝ ન આપવા પાછળનો તર્ક જણાવ્યો કે, જે લોકોને વેક્સીનના બંને ડોઝ લાગી ચૂક્યા છે તેમને બૂસ્ટર ડોઝ આપવાની અપેક્ષા કરતાં એ જરૂરી છે કે જે લોકોનું પૂર્ણ રસીકરણ નથી થયું તેમને ઝડપથી વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવે. તેમણે કહ્યું કે આપણા દેશની ફક્ત ૩૫ ટકા વસ્તીએ જ રસીના બંને ડોઝ લીધા છે જ્યારે વસ્તીનો એક મોટો ભાગ બાકી છે જેમને વેક્સીન આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે આપણે એ વિચારવાની જરૂર છે કે શું આપણે વેક્સીનનો બૂસ્ટર ડોઝ એમને આપીએ કે જેમણે રસીના બંને ડોઝ લીધા છે, કે પછી એમને આપીએ જેમણે ફક્ત એક જ ડોઝ લીધો છે. જોકે, ડોક્ટરે કહ્યું કે બૂસ્ટર શોટનો સવાલ નૈતિક છે અને ડોક્ટર્સ આ અંગે વિચારવિમર્શ કરી રહ્યા છે કે ભારતમાં બૂસ્ટર ડોઝ આપવાનો યોગ્ય સમય કયો હશે. તેમણે કહ્યું કે મને ભરોસો છે કે આ મુદ્દે થિંક ટેંક એક ચોક્કસ અને યોગ્ય નિર્ણય લેશે. ડોક્ટર પા શ્રીવાસ્તવે કહ્યું કે પૂરતા અભ્યાસથી એ પણ ખ્યાલ આવે છે કે ઘણાં એવા લોકો છે જેમણે વેક્સીન તો લઈ લીધી છે પણ તેમનામાં એન્ટીબોડી નથી બની રહી. આ પહેલા ભારત બાયોટેકના અધ્યક્ષ ડો. કૃષ્ણા એલાએ બૂસ્ટર ડોઝ અંગે બહુ મહત્વપૂર્ણ વાત કહી હતી. તેમણે કહ્યું કે જો વાયરસ ફરી એક વાર રૂપ બદલે તો લોકોને કોવિડ-૧૯ વેક્સીનના બૂસ્ટર ડોઝની જરૂર પડશે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં કયા પ્રકારના બૂસ્ટર ડોઝની જરૂર પડશે અને તેને ઝડપથી લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેના પર અમે કામ કરી રહ્યા છીએ. આ સમયે દુનિયાના ઘણાં દેશો નાગરિકોને બૂસ્ટર ડોઝ આપી રહ્યા છે જેમાં અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ વગેરે સામેલ છે.

Previous articleબધેલ અને સચિન પાયલટને કોંગ્રેસ હાઈકમાન્ડનું તેડું
Next articleદિવાળીમાં દિલ્હીનું પ્રદૂષણ વધ્યું, એર ક્વોલિટી ૩૬૦