’મૂછાળી મા’ના હુલામણા નામથી જાણીતા સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મ દિવસ ૧૫મી નવેમ્બરને હવેથી રાજ્યમાં ’બાળવાર્તા દિન’ તરીકે ઉજવાશે

9

ભાવનગરની દક્ષિણા મૂર્તી સ્કૂલમાંથી શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી : આ કાર્યક્રમમાં જાણીતા હાસ્ય કલાકાર સાઇરામ દવે પણ હાજર રહ્યાં

યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ. ગિજુભાઈ બધેકાને ’’મૂછાળી મા’ના હુલામણા નામથી ઓળખવામાં આવે છે. આજે ભાવનગરની દક્ષિણા મૂર્તી સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ૧૫મી નવેમ્બર સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મદિવસને ગુજરાતમાં ’બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતુ કે, યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મદિવસ ૧૫મી નવેમ્બરને ગુજરાત રાજ્યમાં ’બાળવાર્તા દિન’ તરીકે ઉજવવામાં આવશે. આ કાર્યક્રમમાં જાણીતા હાસ્ય કલાકાર સાઇરામ દવે પણ હાજર રહ્યાં હતાં. મંત્રીએ જણાવ્યું કે, આ યુગમૂર્તિ બાળ કેળવણીકારે સો વર્ષ પહેલા જે ભાવેણાની ધરતી અને દક્ષિણામૂર્તિથી બાળમાનસને કેળવવાના અને ઘડતર કરવાના વિચારનો પાયો નાંખ્યો હતો તે ભૂમિ પરથી આ જાહેરાત કરતાં હું ગૌરવની લાગણી અનુભવું છું. બાળ મંદિર, બાળ મંદિરનો ખ્યાલ અને બાળ માનસની કેળવણીના ભીષ્મપિતામહ અને જેને જગત ’મૂછાળી મા’ તરીકે ઓળખે છે. તેવા ગીજુભાઈ બધેકાનો જન્મદિવસ ગુજરાતમાં ’બાળવાર્તા દિવસ’ તરીકે ઉજવીને તેમને સાચી સ્મરણાંજલિ આપવાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે અને દક્ષિણામૂર્તિ વિદ્યાલયના ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રીને આ માટેની રજૂઆત કરવામાં આવી હતી અને જેનો હકારાત્મક પ્રતિભાવ આપીને ગિજુભાઈ બધેકાના જન્મદિવસને દક્ષિણામૂર્તિ વિદ્યાલય, ભાવનગર ખાતે ’બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તેમણે વધુમાં ઉમેર્યું હતું. ભારતનું ભવિષ્ય એવાં બાળકને જે બાળ વાર્તાઓ, બાળ ગીતો ગમે છે અને જેની કથની હવે લુપ્ત થઈ રહી છે તેવી બાળવાર્તાઓ વર્તમાનમાં પણ જીવંત રહે અને બાળકોના ઘડતરમાં તેનો ઉપયોગ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગિજુભાઈ બધેકાના જન્મદિવસને ’બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનો રાજ્ય સરકારે સ્તુત્ય નિર્ણય કર્યો છે. જાણીતા સાહિત્યકાર અને હાસ્યકાર સાંઈરામ દવેએ જણાવ્યું કે, આઝાદી પહેલાંથી કેળવણીની દિશામાં ભાવનગરએ દીવાદાંડીરૂપ કાર્ય કર્યું છે. ભાવનગરમાં એટલાં બધાં કેળવણીકારો થઈ ગયાં છે કે, એક બાજુ સમગ્ર રાજ્યના કેળવણીકારોને મૂકવામાં આવે અને બીજી બાજુ ભાવનગરના કેળવણીકારોને મૂકવામાં આવે છતાં ભાવનગરનું પલ્લું ભારે રહે તે દિશાનું ખેડાણ આજથી વર્ષો પહેલા થયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સો વર્ષ પહેલાં બાળગીતો- વાર્તાઓ દ્વારા બાળકોના ઘડતરની જે વાત ગિજુભાઈ બધેકાએ કરી હતી તેને નવી શિક્ષણ નીતિમાં પણ સામેલ કરવામાં આવી છે તેનો આનંદ છે. ગુજરાતનું એક પણ બાળક વાર્તા ભૂખ્યૂ ન રહે તે માટેનું આ એક અનોખું પગલું છે. એક નાના કદમથી હજારો માઈલની યાત્રા થતી હોય છે, ત્યારે રાજ્ય સરકારે સંવેદનશીલતાથી લાગણીસભર આ નિર્ણય કર્યો છે તે માટે ગુજરાતભરના બાળકો તથા શિક્ષણપ્રેમીઓ વતી હું આભારની લાગણી વ્યક્ત કરું છું. તેમણે વધુમાં ઉમેર્યુ કે, આ નિર્ણયને પગલે રાજ્યમાં બાળ કેળવણી માટેનો સોનાનો સુરજ ઉગશે.ભાવનગરના શિક્ષણ પ્રેમીઓની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ૧૫ મી નવેમ્બરે સવારે ૭ઃ૩૦ થી ૯ વાગ્યા દરમ્યાન શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ’બાળવાર્તા દિન’ની વિધિવત જાહેરાત કરશે. તેમજ સાંઈરામ દવે બાળવાર્તા રજૂ કરશે. ભાવનગરની શિક્ષણ પ્રેમી જનતાને આ કાર્યક્રમમાં પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.