ભાવનગર જિલ્લામાં આયોજનના અભાવે ટેકાના ભાવે મગફળીની ખરીદી હજુ બંધ

11

લેબર કોન્ટ્રાકટના વાંકે મગફળી ખરીદીની કામગીરી અટકી : આગામી સપ્તાહે ખરીદી કરાય તેવી શકયતા : આશરે ૬ હજાર ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે અને ગત મંગળવારે મગફળીની ખરીદી શરૂ થવાની હતી પરંતુ પાંચ દિવસ બાદ પણ કામગીરી ઠપ્પ
સરકારી તંત્રમાં મોટાભાગની કામગીરી સમયસર થતી નથી તેવુ જ હાલ ભાવનગર જિલ્લામાં પણ જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે પરંતુ ભાવનગર જિલ્લામાં આયોજનના અભાવે હજુ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ નથી તેથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

લેબર કોન્ટ્રાકટના વાંકે મગફળી ખરીદીની કામગીરી અટકી હોવાનુ જાણવા મળેલ છે. ભાવનગર જિલ્લામાં હજુ ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી શરૂ થઈ નથી. ગત મંગળવારથી મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ થવાનો હતો અને જુદા જુદા સેન્ટર પર મગફળીની ખરીદી સરકારી તંત્ર દ્વારા શરૂ કરવાની હતી પરંતુ લેબર-ટ્રાન્સપોર્ટના કોન્ટ્રાકટના વાંકે કામગીરી અટકી હોવાનુ સુત્રોએ જણાવેલ છે. આ ઉપરાંત કેટલાક દિવસ કમોસમી વરસાદની આગાહી હતી તેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી હોવાનુ કહેવાય છે. પ દિવસ બાદ આજે શનિવારે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ નથી અને મગફળીની ખરીદી કયારે શરૂ થશે ? તેની તારીખ પણ હજુ નક્કી નથી તેમ જાણવા મળેલ છે. આ અંગે ભાવનગરના જિલ્લા પુરવઠા અધિકારીને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, ટેકાના ભાવે મગફળી ખરીદીની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી પરંતુ આગામી સપ્તાહથી મગફળીની ખરીદી શરૂ થઈ જાય તેવુ આયોજન કરવામાં આવી રહ્યુ છે, તારીખ નક્કી થતા જ જાણ કરવામાં આવશે. આગામી તા. ૧પ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે તેવી શકયતા હતી પરંતુ સરકારી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં આશરે ૬ હજાર ખેડૂતે ટેકાના ભાવે મગફળીનુ વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવેલ છે પરંતુ મગફળીની ખરીદી સમયસર શરૂ કરવામાં નહી આવતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અન્ય જિલ્લામાં ખરીદી શરૂ થઈ ગઈ છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ તત્કાલ ખરીદી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે.
૧૧૧૦ ના ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે
રાજ્ય સરકારે રૂ. ૧૧૧૦ના ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની જાહેરાત કરી છે અને આશરે આગામી બે માસ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. રજીસ્ટ્રેશન કરાવ્યુ હશે તે જ ખેડૂતો ટેકાના ભાવે મગફળીનુ વેચાણ કરી શકશે, જયારે અન્ય ખેડૂતોએ વેપારીઓએ મગફળીનુ વેચાણ કરવુ પડશે તેમ જાણવા મળેલ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા રોજ થોડા થોડા ખેડૂતોને મેસેજ કરી જાણ કરવામાં આવતી હોય છે.
ભાવનગર યાર્ડમાં ૫ દિવસથી મગફળીની આવક બંધ હોવાથી ખેડૂતોમાં રોષ
ભાવનગર યાર્ડમાં મગફળીનો ભરાવો થતા ગત મંગળવારથી નવી આવક અનિશ્ચીત મુદ્દત માટે બંધ કરવામાં આવેલ છે અને આજે શનિવારે પણ મગફળીની નવી આવક શરૂ કરવામાં આવી નથી. મગફળીની નવી આવક કયારે શરૂ કરવામાં આવશે ? તે અંગે હજુ કોઈ જાહેરાત કરવામાં નહી આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે અને ભાવ સારા મળી રહ્યા છે પરંતુ મગફળીનો માલ નહી લાવવા દેવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.